૧ કાળવૃત્તાંત 26 - પવિત્ર બાઇબલ C.L.મંદિરના દ્વારપાળો 1 મંદિરના દ્વારપાળો તરીકે લેવીઓની આ પ્રમાણે ટુકડીઓ પાડવામાં આવી હતી: કોરાહના ગોત્રમાં આસાફના કુટુંબના કોરેનો પુત્ર મેશેલેમ્યા હતો. 2 તેને સાત પુત્રો હતા; વયાનુક્રમે તેમની યાદી આ પ્રમાણે છે: ઝખાર્યા, યદિયેલ, ઝબાદ્યા, યાથ્નીએલ, 3 એલામ, યહોહાનાન, એલ્યહોનાય. 4 ઓબેદ-અદોમને ઈશ્વરના આશીર્વાદથી આઠ પુત્રો હતા; વયાનુક્રમે તેમની યાદી આ પ્રમાણે છે: શમાયા, યહોઝાબાદ, યોઆહ, શાખાર, નથાનએલ, 5 આમ્મીએલ, ઈસ્સાખાર, પુલ્લથાય. 6-7 ઓબેદ-અદોમના જયેષ્ઠ પુત્ર શમાયાને છ પુત્રો હતા: ઓથ્ની, રફાએલ, ઓબેદ, એલઝાબાદ, એલીહૂ અને સમાખ્યા. તેઓ બાહોશ હોઈ પોતાના પિતાના ગોત્રમાં અગ્રગણ્ય પુરુષો હતા; છેલ્લા બે પુત્રો તો વિશેષ શૂરવીર હતા. 8 ઓબેદ-અદોમના કુટુંબમાં પુત્રો અને ભાઈઓ મળી કુલ બાસઠ વંશજો હતા, તેઓ સૌ કાર્યદક્ષ હોઈ મંદિરના સેવાકાર્ય માટે લાયક હતા. 9 મેશેલેમ્યાના કુટુંબમાં પુત્રો અને ભાઈઓ મળી એકંદરે અઢાર સશક્ત શૂરવીરો હતા. 10 મરારીના ગોત્રમાં હોસાને ચાર પુત્રો હતા: શિમઈ (તે જયેષ્ઠ પુત્ર ન હતો, પણ તેના પિતાએ તેને આગેવાન ઠરાવ્યો). 11 હિલકિયા, ટબાલ્યા, ઝખાર્યા. હોસાના કુટુંબમાં પુત્રો અને ભાઈઓ મળી કુલ તેર હતા. 12 કુટુંબના વડા પ્રમાણે, આ દ્વારપાળોનાં જૂથ પાડવામાં આવ્યાં હતાં; જેથી તેઓ તેમના લેવી ભાઈઓની જેમ પ્રભુના મંદિરમાં વારા પ્રમાણે સેવા કરી શકે. 13 કુટુંબ નાનું કે મોટું છે તે લક્ષમાં લીધા સિવાય કોણ કયા દરવાજાની ચોકી કરશે તે નક્કી કરવા ચિઠ્ઠીઓ નાખી. 14 શલેમ્યાહે ચિઠ્ઠી ઉપાડી તો તેને માટે પૂર્વ દરવાજો આવ્યો, અને તેના પુત્ર ઝખાર્યાને માટે ઉત્તરના દરવાજાની ચિઠ્ઠી નીકળી. ઝખાર્યા તો શાણો સલાહકાર હતો. 15 ઓબેદ- અદોમને ફાળે દક્ષિણનો દરવાજો આવ્યો, અને તેના પુત્રોને ભંડારના સંરક્ષણની જવાબદારી સોંપાઈ. 16 શૂપ્પીમ અને હોસાહને પશ્ર્વિમનો દરવાજો અને ઉપરની સડક પરનો શાલ્લેખેથનો દરવાજો સોંપાયો. ફરજ પરના દ્વારપાળોના નિયત સમય માટે એક પછી એક વારા રાખ્યા હતા. 17 દરરોજ પૂર્વમાં છ, ઉત્તરમાં ચાર અને દક્ષિણમાં ચાર દ્વારપાળો રહેતા. દરેક ભંડારે બબ્બે એમ ચાર દ્વારપાળો દરરોજ ભંડારો આગળ રહેતા. 18 પશ્ર્વિમના આંગણા પાસેના રસ્તા પર ચાર અને એ આગણાંમાં બે દ્વારપાળો રહેતા. 19 કોરા અને મરારીના ગોત્રોના ફરજ પરના દ્વારપાળોને એ રીતે વારા પ્રમાણે કામ સોંપાયેલું હતું. મંદિરની અન્ય સેવાઓ 20 લેવીઓમાંથી અહિયા ઈશ્વરના મંદિરના ભંડાર અને ઈશ્વરને અર્પિત ભેટોના ભંડારો પર હતો. 21 લાદાન ગેર્શોની ઘણાં કુટુંબોનો પૂર્વજ હતો; તેનો પુત્ર યહિયેલ તેમાં મુખ્ય હતો. 22 લાદાનના બીજા બે પુત્રો ઝેથામ અને યોએલ પ્રભુના મંદિરના ભંડારો પર હતા. 23 આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલના વંશજોને પણ કામ ફાળવી આપ્યું હતું. 24 મોશેના પુત્ર ગેર્શોનના ગોત્રનો શબૂએલ મંદિરના ભંડારનો મુખ્ય જવાબદાર અધિકારી હતો. 25 ગેર્શોનના ભાઈ એલિએઝેરના પક્ષે તે શલોમીથનો સંબંધી હતો. એલિએઝેર રહાબ્યાનો પિતા હતો, રહાબ્યા યેશિયાનો પિતા હતો. યેશિયા યોરામનો પિતા હતો, યોરામ ઝિખ્રીનો પિતા હતો અને ઝિખ્રી શલોમીથનો પિતા હતો. 26 દાવિદ રાજા, કુટુંબના વડાઓ, ગોત્રના આગેવાનો અને લશ્કરી સહાધિપતિઓ અને શતાધિપતિઓ દ્વારા ઈશ્વરને અર્પાયેલી સર્વ ભેટો શલોમીથ અને તેના કુટુંબના સભ્યોની સાચવણીમાં હતી. 27 લડાઈમાં મળેલી લૂંટનો કેટલોક ભાગ તેઓએ પ્રભુના મંદિરના ઉપયોગને માટે અર્પ્યો હતો. 28 સંદેશવાહક શમુએલ, રાજા શાઉલ, નેરના પુત્ર આબ્નેર અને સરુયાના પુત્ર યોઆબની ભેટો સહિત પ્રભુના મંદિરમાં વપરાશ માટે અર્પેલી સર્વ ભેટો શલોમીથ અને તેના કુટુંબના હવાલામાં હતી. બીજા લેવીઓની ફરજો 29 યિસ્હારના વંશજો કનાન્યા અને તેના પુત્રોને નોંધ રાખવાની અને ઇઝરાયલ લોકોના વિવાદોના નિરાકરણની વહીવટી કામગીરી સોંપવામાં આવી હતી. 30 હેબ્રોનના વંશજો પૈકી યશાબ્યાહ અને તેના સત્તરસો સંબંધીઓ કાર્યદક્ષ હતા; તેમને યર્દન નદીની પશ્ર્વિમ બાજુએ ઇઝરાયલીઓની ધાર્મિક અને રાજકીય સેવાને લગતી બધી બાબતોનો વહીવટ સોંપવામાં આવ્યો હતો. 31 યેરિયા હેબ્રોનનો વંશજ હતો. દાવિદના અમલના ચાલીસમે વર્ષે હેબ્રોનના વંશજોને તેમની વંશાવળી પ્રમાણે શોધી કાઢવામાં આવ્યા, ને આ કુટુંબમાંના શૂરવીર યોદ્ધાઓ ગિલ્યાદ પ્રાંતના યાઝેરમાંથી મળી આવ્યા. 32 દાવિદ રાજાએ યેરિયાના સગાંસંબંધીઓમાંથી બે હજાર સાતસો કાર્યદક્ષ કુટુંબ-વડાઓ પસંદ કર્યા, અને યર્દન નદીની પૂર્વગમ રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના પ્રાંતોમાં ઇઝરાયલીઓની ધાર્મિક અને રાજકીય સેવાને લગતી બાબતોનો વહીવટ તેમને સોંપ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide