૧ કાળવૃત્તાંત 23 - પવિત્ર બાઇબલ C.L.1 દાવિદ હવે વૃદ્ધ અને ઘણી ઉંમરનો થયો હતો. તેથી તેણે પોતાના પુત્ર શલોમોનને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. લેવીઓને સોંપેલું કામ 2 દાવિદ રાજાએ સર્વ ઇઝરાયલી આગેવાનો, યજ્ઞકારો અને લેવીઓને એકઠા કર્યા. 3 તેણે ત્રીસ કે તેથી વધુ ઉંમરના સર્વ નર લેવીઓની ગણતરી કરી. એમની કુલ સંખ્યા એકત્રીસ હજારની થઈ. 4 રાજાએ તેમને આ પ્રમાણે કામ સોંપ્યું. તેણે ચોવીસ હજારને પ્રભુના મંદિરનો કારભાર સંભાળવા, છ હજારને નોંધણીકારો અને વિવાદોનો ન્યાય આપવા, 5 ચાર હજારને સંરક્ષણની ફરજ બજાવવા, અને ચાર હજારને રાજાએ પૂરાં પાડેલાં સંગીતના વાજિંત્રો વડે પ્રભુની સ્તુતિ કરવા નીમ્યા. 6 દાવિદે લેવીઓના તેમના કુટુંબ પ્રમાણે ત્રણ વર્ગ પાડયા: ગેર્શોન, કહાથ અને મરારી. 7 ગેર્શોનને બે પુત્રો હતા: લાદાન અને શિમઈ. 8 લાદાનને ત્રણ પુત્રો હતા: યહિયેલ, ઝેથાન અને યોએલ. 9 તેઓ લાદાનના ગોત્રના વડા હતા. શિમઈના ત્રણ પુત્રો શલોમોથ, હઝીએલ અને હારાન. 10 શલોમોથને ચાર પુત્રો હતા: યાહાથ, ઝીઝા, યેઉશ અને બરિયા. 11 તેમાં યાહાથ જયેષ્ઠ અને ઝીઝા બીજો હતો. યેઉશ અને બરિયાને બહુ વંશજ ન હોઈ, એક જ ગોત્ર ગણાયા. 12 કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ. 13 આમ્રામના પુત્રો: આરોન અને મોશે. આરોન તથા તેના વંશજોને પવિત્ર સાધનસામગ્રી હંમેશા પોતાને હસ્તક રાખી પ્રભુને ધૂપ ચઢાવવા, તેમની સેવા કરવા તથા તેમને નામે લોકોને આશીર્વાદ આપવા અલગ કરવામાં આવ્યા હતા. 14 પરંતુ ઈશ્વરભક્ત મોશેના વંશજોનો તો લેવીઓમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 15 મોશેના પુત્રો હતા: ગેર્શોમ અને એલિએઝેર. 16 ગેર્શોમના પુત્રોમાં શબૂએલ આગેવાન હતો. 17 એલિએઝેરને માત્ર એક પુત્ર રહાબ્યા હતો, પણ રહાબ્યાને ઘણા પુત્રો હતા. 18 કહાથનો બીજો પુત્ર યિસ્હારનો પુત્ર શલોમીથ તેમના ગોત્રનો વડો હતો. 19 કહાથના ત્રીજા પુત્ર હેબ્રોનને ચાર પુત્રો હતા: જયેષ્ઠપુત્ર યરિયા, પછી અમાર્યા, યાહઝિયેલ, અને યકામામ. 20 કહાથના ચોથા પુત્ર ઉઝિયેલને બે પુત્રો હતા: મિખા અને યિશ્શીયા. 21 મરારીને બે પુત્રો હતા: માહલી અને મુશી. મુશીને પણ બે પુત્રો હતા: એલાઝાર અને કીશ. 22 પણ એલાઝાર પુત્રવિહોણો મરણ પામ્યો. તેને ફક્ત પુત્રીઓ હતી. તેની પુત્રીઓએ પોતાના પિત્રાઈ ભાઈઓ એટલે કીશના પુત્રો સાથે લગ્ન કર્યાં. 23 મરારીના બીજા પુત્ર મુશીને ત્રણ પુત્રો હતા: માહલી, એદેર અને યરેમોથ. 24 તેઓ લેવીના ગોત્ર અને કુટુંબવાર વંશજો હતા; પ્રત્યેકનું નામ ગણતરીમાં નોંધાયેલું હતું. વીસ વર્ષ કે તેથી વધુ વયના તેમના પ્રત્યેક વંશજ પ્રભુના મંદિરના કામમાં ભાગ લેતા. 25 દાવિદે કહ્યું, ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ પોતાના લોકોને શાંતિ આપી છે અને તે પોતે કાયમ માટે યરુશાલેમમાં વસનાર છે. 26 તેથી મુલાકાતમંડપ અને ભક્તિની સર્વ સાધનસામગ્રી હવે લેવીઓએ ઊંચકવાની જરૂર પડશે નહિ. 27 દાવિદની આખરી સૂચનાઓ મુજબ વીસ વર્ષ કે તેથી વધારે વયના બધા લેવીઓની નોંધ કરવામાં આવતી, 28 અને તેમને નીચેની ફરજો સોંપાઈ હતી: આરોનના વંશના યજ્ઞકારોને મંદિરની સેવાના કામમાં મદદ કરવી, તેના આંગણાં અને ખંડોની દેખભાળ કરવી અને પવિત્ર વસ્તુઓ અશુદ્ધ ન થાય તે જોવું; 29 ઈશ્વરને સમર્પિત રોટલી, ધાન્ય- અર્પણમાં વપરાતો લોટ, ખમીરરહિત પોળીઓ, શેકેલાં અર્પણો અને ઓલિવ તેલથી મોહેલા લોટ અંગેની તથા મંદિરમાં અર્પવામાં આવતી બધી ચીજવસ્તુઓના તોલમાપની જવાબદારી તેમણે ઉપાડવાની હતી, 30-31 અને રોજ સવારે અને સાંજે તેમ જ સાબ્બાથ, ચાંદ્રમાસના પ્રથમ દિવસોએ અને બીજા ઉત્સવો વખતે પ્રભુને અર્પણો ચઢાવવામાં આવે ત્યારે પ્રભુની સ્તુતિ કરવી અને તેમનો મહિમા કરવો. પ્રત્યેક વખતે આ કામ કરવા લેવીઓની સંખ્યા નક્કી કરવાના નિયમો ઘડવામાં આવ્યા હતા. લેવીઓને પ્રભુની સેવાભક્તિ નિરંતર કરવાનું કામ સોંપેલું હતું. 32 તેમને મુલાકાતમંડપ તથા મંદિર અને મંદિરની સેવાના કામમાં આરોનના વંશમાંથી ઊતરી આવેલ તેમના યજ્ઞકાર ભાઈઓને મદદ કરવાની જવાબદારી સોંપી હતી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide