૧ કાળવૃત્તાંત 22 - પવિત્ર બાઇબલ C.L.1 તેથી દાવિદે કહ્યું, “અહીં જ પ્રભુ ઈશ્વરનું મંદિર થશે. આ વેદી પર ઇઝરાયલીઓ દહનબલિ ચઢાવશે.” મંદિર બાંધવાની તૈયારી 2 દાવિદ રાજાએ ઇઝરાયલ દેશમાં વસતા સર્વ પરદેશીઓને એકત્ર કરવા આજ્ઞા આપી, અને તેણે તેમને કામે લગાડયા. કેટલાકને તેણે મંદિર માટે પથ્થરો ઘડવા સલાટો તરીકે નીમ્યા. 3 દરવાજાના લાકડાંનાં કમાડોને ખીલા અને ચાપડા લગાવવા તેણે પુષ્કળ લોખંડ અને અણતોલ તાંબુ પૂરું પાડયું. 4 વળી, તૂર તથા સિદોનના લોકો તેને ગંધતરુનાં પુષ્કળ પાટિયાં પહોંચાડે તેવી વ્યવસ્થા કરી. 5 દાવિદે કહ્યું, “મારો પુત્ર શલોમોન જે મંદિર બાંધશે તે ભવ્ય, સુંદર અને વિશ્વવિખ્યાત થવું જોઈએ. પણ તે જુવાન અને બિનઅનુભવી છે; તેથી મારે અગાઉથી તેની પૂરી તૈયારી કરવી જોઈએ.” એમ દાવિદે પોતાના મરણ અગાઉ પુષ્કળ સાધનસામગ્રી એકત્ર કરી. 6 તેણે પોતાના પુત્ર શલોમોનને બોલાવ્યો અને તેને ઇઝરાયલના ઈશ્વર પ્રભુ માટે મંદિર બાંધવાનું કામ સોંપ્યું. 7 દાવિદે શલોમોનને કહ્યું, “બેટા, ઈશ્વર મારા પ્રભુના નામના સન્માર્થે મંદિર બાંધવાની મારી ઇચ્છા હતી. 8 પણ મને પ્રભુનો સંદેશ મળ્યો, ‘તેં ભારે ખૂનરેજી ચલાવી છે અને તું મોટી લડાઈઓ લડયો છું. પૃથ્વી પર તેં મારી સમક્ષ પુષ્કળ રક્ત વહેવડાવ્યું છે. તેથી તારે મારું મંદિર બાંધવાનું નથી. 9 પણ તને એક પુત્ર થશે; તે શાંતિપ્રિય થશે; હું તેને આસપાસના સર્વ શત્રુઓથી શાંતિ આપીશ. તેનું નામ શલોમોન (શાંતિ) થશે, કારણ, તેના અમલ દરમ્યાન હું ઇઝરાયલને શાંતિ અને સલામતી આપીશ. 10 તે મારે માટે મંદિર બાંધશે. તે મારો પુત્ર થશે, અને હું તેનો પિતા થઈશ. તેના વંશજો ઇઝરાયલ પર કાયમ રાજ કરશે.” 11 દાવિદે કહ્યું, “મારા દીકરા, પ્રભુ તારી સાથે હો, અને તેમણે તારે વિષે આપેલા વચન પ્રમાણે તેમનું મંદિર બાંધવામાં તું સફળ થા. 12 તું પ્રભુના નિયમ પ્રમાણે ઇઝરાયલ પર રાજ્ય ચલાવે તે માટે તે તને વિવેકબુદ્ધિ અને ડહાપણ આપો. 13 પ્રભુએ મોશે મારફતે ઇઝરાયલીઓને આપેલાં સર્વ ફરમાનો અને નિયમો તું પાળે તો જ તું સફળ થઈશ. દૃઢ તથા હિંમતવાન થા, કોઈ વાતે ડરીશ નહિ કે હિંમત હારીશ નહિ. 14 મંદિર માટે મેં ભારે મહેનત કરીને ચોત્રીસો ટન સોનું અને ચોત્રીસ હજાર ટન ચાંદી એકત્ર કર્યાં છે. વળી, તાંબુ અને લોખંડનો અઢળક જથ્થો છે. મેં લાકડાં અને પથ્થર પણ ભેગાં કર્યાં છે; પણ તારે તેનો વધારે જથ્થો મેળવવો પડશે. 15 તારી પાસે ઘણા કારીગરો છે. 16 વળી, સલાટો, કડિયા, સુથાર અને સોનું, ચાંદી, તાંબુ અને લોખંડનું કામ કરનાર અસંખ્ય નિપુણ કારીગરો પણ છે. તો હવે કામ શરૂ કર, અને પ્રભુ તારી સાથે હો.” 17 દાવિદે ઇઝરાયલીઓના સર્વ આગેવાનોને પણ શલોમોનને મદદ કરવા આજ્ઞા કરી. 18 તેણે કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે છે અને તમને ચારે તરફથી શાંતિ બક્ષી છે. આ દેશના મૂળ વતનીઓ પર તેમણે મને વિજય પમાડયો છે અને હવે તે તમારા અને પ્રભુના તાબેદાર છે. 19 તો હવે તમારા પૂરા હૃદય અને જીવથી પ્રભુના નામના સન્માનાર્થે જે મંદિર બાંધવાનું છે તેનું કામ ઉપાડો કે જેથી તમે તેમાં પ્રભુની કરારપેટી તથા તેમનું ભજન કરવા વપરાતી તમામ પવિત્ર સાધનસામગ્રી લાવીને રાખી શકો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide