૧ કાળવૃત્તાંત 20 - પવિત્ર બાઇબલ C.L.રાબ્બા નગર પર દાવિદનો વિજય ( ૨ શમુ. 12:26-31 ) 1 પછીની વસંતસંપાતે, એટલે કે રાજાઓ વર્ષના જે સમયે યુદ્ધ કરવા જાય છે ત્યારે યોઆબ સૈન્ય લઈને નીકળ્યો અને આમ્મોન દેશ પર ચડાઈ કરીને તેને ખેદાનમેદાન કરી નાખ્યો. દાવિદ રાજા પોતે તો યરુશાલેમમાં જ રહ્યો. યોઆબ અને તેના સૈન્યે રાબ્બા નગરને ઘેરો ઘાલ્યો અને તેના પર આક્રમણ કરી તેનો વિનાશ કર્યો. 2 આમ્મોની દેવ માલ્કોમની મૂર્તિ પર ચોત્રીસ કિલો વજનનો સુવર્ણમુગટ હતો. તેમાં એક રત્ન પણ હતું. દાવિદે એ રત્ન લઈને પોતાના મુગટમાં જડાવ્યું. યોઆબે શહેરમાંથી મોટી લૂંટ પણ મેળવી. 3 નગરજનોને બહાર લાવીને તેણે તેમની પાસે લોખંડની કરવતો, પંજેટીઓ અને કુહાડીઓ વડે કામ કરાવ્યું. આમ્મોનનાં બીજાં બધાં નગરોના લોકો પાસે પણ તેણે એવું જ કામ કરાવ્યું. પછી તે તથા તેના માણસો યરુશાલેમ પાછા આવ્યા. પલિસ્તી યોદ્ધા સાથે લડાઈ ( ૨ શમુ. 21:15-22 ) 4 તે પછી, પલિસ્તીઓ સાથે ફરીથી ગેઝેર આગળ લડાઈ ફાટી નીકળી. એ જ સમયે હુશા કુળના સિબ્બાખાએ સિપ્પાય નામના રફાઈઓના કુળના મહાયોદ્ધાને મારી નાખ્યો અને પલિસ્તીઓએ હાર ખાધી. 5 પલિસ્તીઓ સાથેની બીજી એક લડાઈમાં યાઈરના પુત્ર એલ્હાનાને ગાથમાંના ગોલ્યાથના ભાઈ લાહ્મીને મારી નાખ્યો, એના ભાલાનો હાથો હાથશાળના લાકડા જેવો હતો. 6 ગાથમાં બીજી એક લડાઈ થઈ. ત્યાં એક મહાયોદ્ધો હતો. તેને દરેક હાથે અને પગે છ-છ મળીને કુલ ચોવીસ આંગળાં હતાં. તે પણ રાક્ષસી કદના રફાઈ લોકોનો વંશજ હતો. 7 તેણે ઇઝરાયલીઓને પડકાર કર્યો, એટલે, દાવિદના ભાઈ શામ્માના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો. 8 દાવિદ અને તેના માણસોએ આ જે ત્રણને મારી નાખ્યા તેઓ ગાથ નગરના રાક્ષસી કદના રફાઈ લોકોના વંશજ હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide