૧ કાળવૃત્તાંત 19 - પવિત્ર બાઇબલ C.L.આમ્મોનીઓ અને અરામીઓ પર દાવિદનો વિજય ( ૨ શમુ. 10:1-19 ) 1 થોડા સમય પછી આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો, એટલે તેનો પુત્ર હાનુન રાજા બન્યો. 2 દાવિદ રાજાએ કહ્યું, “નાહાશે મારી સાથે રાખી હતી તેવી વફાદાર મૈત્રી હું હાનુન સાથે પણ રાખીશ.” તેથી હાનુનના પિતાના મૃત્યુ વિશે તેને દિલાસો પાઠવવા દાવિદે સંદેશકો મોકલ્યા. જ્યારે તેઓ આમ્મોનમાં હાનુન રાજા પાસે ગયા, 3 ત્યારે આમ્મોનના આગેવાનોએ રાજાને કહ્યું, “તમે એમ ધારો છો કે દાવિદે તમારા પિતાના સન્માર્થે તમને દિલાસો પાઠવવા આ માણસોને મોકલ્યા છે? ના, તેણે તો આપણા દેશને શી રીતે જીતી લેવો તેની બાતમી કાઢવા એમને જાસૂસો તરીકે મોકલ્યા છે.” 4 તેથી હાનુને એ માણસોને પકડીને તેમની દાઢી મૂંડાવી નાખી અને કમરથી નીચેના ભાગનાં તેમનાં વસ્ત્રો કપાવી નાખીને તેમને કાઢી મૂક્યા. 5 કોઈકે દાવિદને એ પુરુષોની હાલત વિષે ખબર આપી, કારણ, તેઓ પાછા ઘેર આવતા ખૂબ જ શરમાતા હતા. દાવિદને તેની જાણ થતાં તેણે તેમને ખબર મોકલાવી કે તેઓ તેમની દાઢી ફરી ઊગે ત્યાં સુધી યરીખોમાં જ રહે અને પછી પાછા આવે. 6 હાનુન રાજા અને આમ્મોનીઓ સમજી ગયા કે તેમણે હવે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે. તેથી તેઓએ અરામ- નાહરાઈમ, અરામ-માખા તથા સોબા પાસેથી રથો અને સવારો ભાડે રાખવા ચોત્રીસ હજાર કિલો ચાંદી મોકલી આપી. 7 તેમણે બત્રીસ હજાર રથો સહિત માખાના રાજાને અને તેના સૈન્યને ભાડે રાખ્યાં. માખાના રાજાના લશ્કરે મેદબા નજીક પડાવ નાખ્યો. આમ્મોનીઓ પણ પોતાના સર્વ નગરોમાંથી યુદ્ધ કરવાને નીકળી આવ્યા. 8 દાવિદને એની જાણ થતાં તેણે યોઆબને પૂરા સૈન્ય સાથે મોકલ્યો. 9 આમ્મોનીઓ તેમના પાટનગર રાબ્બાના પ્રવેશદ્વાર આગળ આવી ગોઠવાયા; જે રાજાઓ તેમની મદદે આવ્યા હતા તેમણે ખુલ્લા મેદાનમાં મોરચો માંડયો. 10 યોઆબે જોયું કે શત્રુની ટુકડીઓ આગળ તથા પાછળથી હુમલો કરવા ગોઠવાઈ છે, ત્યારે તેણે ઇઝરાયલના સૈન્યમાંથી ચુનંદા સૈનિકો પસંદ કરી તેમને અરામીઓની સામે ગોઠવી દીધા. 11 બાકીનું સૈન્ય તેણે પોતાના ભાઈ અબિશાયની સરદારી નીચે રાખ્યું. એમ તેમણે આમ્મોનીઓ સામે મોરચો ગોઠવ્યો. 12 યોઆબે અબિશાયને કહ્યું, “અરામીઓ મને હરાવતા દેખાય તો તું મારી મદદે આવજે, અને જો આમ્મોનીઓ તને હરાવતા દેખાશે તો હું તારી મદદે આવીશ. 13 હિંમત રાખજે! આપણે આપણા લોકો તથા આપણા ઈશ્વરનાં નગરો માટે ભારે જંગ ખેલીએ; પછી પ્રભુની ઇચ્છા હોય તેમ થાઓ.” 14 યોઆબ અને તેના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવા આગળ વયા કે અરામીઓ નાસી છૂટયા. 15 અરામીઓને ભાગી જતા જોઈને આમ્મોનીઓ પણ અબિશાય આગળથી પીછેહઠ કરી નગરમાં પેસી ગયા. પછી યોઆબ યરુશાલેમ પાછો આવ્યો. 16 પોતે ઇઝરાયલીઓ આગળ હાર પામ્યા છે એ જોઈને અરામીઓ યુફ્રેટિસ નદીની પૂર્વ તરફનાં અરામના સાત રાજ્યોનાં સૈન્ય લાવ્યા અને તેમને સોબાના રાજા હદાદેઝેરના સેનાપતિ શોફાખની સરદારી હેઠળ મૂક્યાં. 17 દાવિદને એની ખબર પડતાં તેણે ઇઝરાયલી સૈન્ય એકત્ર કર્યું અને યર્દન ઓળંગી અરામીઓ સામે મોરચો માંડયો. યુદ્ધ શરૂ થયું, 18 અને ઇઝરાયલીઓએ અરામી સૈન્યને પાછું હઠાવ્યું. દાવિદ અને તેના માણસોએ સાત હજાર અરામી રથસવારોને અને ચાલીસ હજાર પાયદળના સૈનિકોને મારી નાખ્યા. તેમણે અરામી સેનાપતિ શોફાખને પણ મારી નાખ્યો. 19 હદાદેઝેરના તાબેદાર રાજાઓએ જોયું કે પોતે ઇઝરાયલીઓને હાથે હાર ખાધી છે, ત્યારે દાવિદ સાથે સંધિ કરીને તેઓ તેને તાબેદાર થયા. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરવા તૈયાર નહોતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide