૧ કાળવૃત્તાંત 18 - પવિત્ર બાઇબલ C.L.દાવિદના લશ્કરી વિજયો ( ૨ શમુ. 8:1-18 ) 1 કેટલાક સમય પછી દાવિદે પલિસ્તીઓ પર ચડાઈ કરીને તેમને હરાવ્યા. તેણે તેમના હાથમાંથી ગાથ નગર અને તેની આસપાસનાં ગામો લઈ લીધાં. 2 તેણે મોઆબીઓને પણ હરાવ્યા. તેઓ તેના તાબેદાર થઈને તેને ખંડણી ભરવા લાગ્યા. 3 તે પછી દાવિદે યુફ્રેટિસ નદીના ઉપરવાસના પ્રદેશ પર કબજો મેળવવા જતા સોબાના રાજા હદાદેઝરને હમાથ આગળ હરાવ્યો. 4 દાવિદે તેની પાસેથી એક હજાર રથ, સાત હજાર ઘોડેસ્વારો અને પાયદળના વીસ હજાર સૈનિકો લઈ લીધા. તેણે સો રથો માટે જરૂરી ઘોડા રાખ્યા. જ્યારે બાકીના બીજા ઘોડાઓના પગની નસો કાપી નાખીને તેમને લંગડા કરી નાખ્યા. 5 દમાસ્ક્સના અરામીઓએ હદાદેઝેર રાજાને મદદ કરવા સૈન્ય મોકલ્યું, તો દાવિદે તેમના પર હુમલો કરી બાવીસ હજાર માણસ મારી નાખ્યા. 6 તે પછી તેણે અરામીઓના પ્રદેશમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. તેઓ તેને તાબે થઈ ખંડણી ભરવા લાગ્યા. દાવિદને પ્રભુએ સર્વ ઠેકાણે વિજયી બનાવ્યો. 7 હદાદેઝેરના અધિકારીઓ સોનાની જે ઢાલો ધારણ કરતા હતા તે દાવિદ યરુશાલેમ લાવ્યો. 8 તે હદાદેઝેર હસ્તકનાં ટિબહાથ અને કૂન નગરોમાંથી તાંબાનો મોટો જથ્થો પણ લાવ્યો. (શલોમોને પાછળથી એ તાંબાનો ઉપયોગ જળકુંડ, સ્તંભો તેમ જ મંદિરનાં વાસણો બનાવવા કર્યો.) 9 દાવિદે હદાદેઝેરના સમસ્ત લશ્કરને હરાવ્યું છે એવું હમાથના રાજા તોઉએ સાંભળ્યું. 10 તેથી તેણે પોતાના પુત્ર હદોરામને દાવિદને શુભેચ્છા પાઠવવા તેમ જ હદાદેઝેર પર મેળવેલા વિજય માટે દાવિદને અભિનંદન આપવા મોકલ્યો. તોઉ અને હદાદેઝેર વચ્ચે વિગ્રહ ચાલતો હતો. હદોરામ દાવિદ માટે સોનું, રૂપું અને તાંબાનાં વિવિધ પાત્રોની ભેટો લાવ્યો. 11 દાવિદે એ સર્વ ભેટોનું તથા પોતે અદોમ, મોઆબ, આમ્મોન, પલિસ્તી અને અમાલેક એ સર્વ પ્રજાઓ જીતીને તેમની પાસેથી લાવેલ સોનારૂપાનું પ્રભુની આરાધના માટે સમર્પણ કર્યું. 12 અબિશાય જેની માતાનું નામ સરુયા હતું, તેણે ‘મીઠાની ખીણ’માં અદોમીઓને હરાવ્યા અને તેમના અઢાર હજાર માણસો મારી નાખ્યા. 13 તેણે આખા અદોમમાં લશ્કરી થાણાં ઊભાં કર્યાં; અને સર્વ અદોમીઓ દાવિદને તાબે થયા. પ્રભુએ દાવિદને સર્વ ઠેકાણે વિજયી બનાવ્યો. 14 દાવિદ સમસ્ત ઇઝરાયલ પર રાજ કરતો હતો. પોતાના લોકો પ્રત્યે યથાર્થ અને ન્યાયી વર્તાવ થાય એ રીતે અમલ ચલાવતો. 15 અબિશાયનો ભાઈ યોઆબ સેનાપતિ હતો; અહિલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો. 16 અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અહિમેલેખ યજ્ઞકારો હતા; શાવ્શા મંત્રી હતો. 17 યહોયાદાનો પુત્ર બનાયા દાવિદના અંગરક્ષકોનો ઉપરી હતો; અને દાવિદ રાજાના પુત્રો તેની સેવામાં રહેનાર મુખ્ય પદાધિકારીઓ હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide