૧ કાળવૃત્તાંત 17 - પવિત્ર બાઇબલ C.L.દાવિદને નાથાનનો સંદેશ ( ૨ શમુ. 7:1-17 ) 1 હવે દાવિદ રાજા પોતાના મહેલમાં રહેતો હતો. એક દિવસે તેણે નાથાન સંદેશવાહકને બોલાવી તેને કહ્યું, “હું અહીં ગંધતરુના મહેલમાં રહું છું, પણ પ્રભુની કરારપેટી તો તંબૂમાં રાખવામાં આવે છે!” 2 નાથાને તેને કહ્યું, “તારા મનની ઇચ્છા પ્રમાણે કર, કારણ, ઈશ્વર તારી સાથે છે.” 3 પણ એ જ રાત્રે નાથાનને ઈશ્વરનો સંદેશ મળ્યો, 4 “તું જઈને મારા સેવક દાવિદને કહે, ‘તારે કંઈ મારે રહેવા માટે મંદિર બાંધવાનું નથી. 5 મેં ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારથી આજ સુધી હું ક્યારેય કોઈ મંદિરમાં રહ્યો નથી; હું તો એક તંબૂમાંથી બીજા તંબૂમાં વિવિધ સ્થળે ફરતો રહ્યો છું. 6 ઇઝરાયલી લોકો સાથેના મારા સઘળા પ્રવાસ દરમ્યાન લોકોના પાલન માટે નીમેલા આગેવાનોને મેં ક્યારેય કહ્યું નથી કે મારે માટે તમે ગંધતરુનું મંદિર કેમ બાંધ્યું નથી.’ 7 “તેથી મારા સેવક દાવિદને જઈને કહે કે સેનાધિપતિ પ્રભુનો આ સંદેશ છે: ‘તું ખેતરોમાં ઘેટાં સાચવતો હતો ત્યાંથી મેં તને લાવીને મારા ઇઝરાયલી લોકો પર અધિકારી બનાવ્યો. 8 તું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું, અને તારી આગળ તારા સર્વ શત્રુઓનો મેં સંહાર કર્યો છે. પૃથ્વીના મહાપુરુષોની જેમ હું તારું નામ વિખ્યાત બનાવીશ.’ 9-10 “મેં મારા ઇઝરાયલી લોકો માટે સ્થળ પસંદ કર્યું છે અને ત્યાં તેમને ઠરીઠામ કર્યાં છે; તેઓ ત્યાં રહેશે અને હવે તેમને કોઈ રંજાડશે નહિ. તેઓ આ દેશમાં આવ્યા અને મેં ઇઝરાયલી લોકોના આગેવાનો તરીકે ન્યાયાધીશોને નીમ્યા તે સમયથી આજ સુધી દુષ્ટ માણસો તેમના પર હુમલા કરતા રહ્યા છે. પણ હવે એમ નહિ થાય. વળી, હું તને વચન આપું છું કે હું તારા સર્વ શત્રુઓને પરાજિત કરીશ અને તારા વંશની સ્થાપના કરીશ. 11 તારું આયુષ્ય પૂરું થતાં તું તારા પૂર્વજો સાથે મળી જઈશ ત્યારે તારા પુત્રોમાંના એકને હું રાજા બનાવીશ અને તેના રાજ્યને દૃઢ કરીશ. 12 તે મારે માટે મંદિર બાંધશે અને હું તેનો રાજવંશ સદાને માટે ચાલુ રાખીશ. 13 “હું તેનો પિતા થઈશ, અને તે મારો પુત્ર થશે. તને રાજા બનાવવા માટે શાઉલ પાસેથી જેમ મેં મારી રહેમનજર ખેંચી લીધી તેમ તેની પાસેથી હું મારી રહેમનજર ખેંચી લઈશ નહિ. 14 હું તેને મારા લોક પર અને મારા રાજ્ય પર સદાને માટે ઠરાવીશ. તેની રાજગાદીનો કદી અંત આવશે નહીં.” 15 ઈશ્વરે દર્શનમાં નાથાન આગળ આ જે સંદેશ પ્રગટ કર્યો તે તેણે દાવિદને કહી સંભળાવ્યો. દાવિદની આભારસ્તુતિ ( ૨ શમુ. 7:18-29 ) 16 પછી દાવિદ પ્રભુની સંમુખ બેઠો અને બોલ્યો: “હે પ્રભુ પરમેશ્વર, હું કોણ અને મારું કુટુંબ કોણ કે તમે મને આટલા ઉચ્ચપદ સુધી લાવ્યા છો? 17 “હે ઈશ્વર, તમારી દૃષ્ટિમાં એટલું બસ ન હોય તેમ તમે દૂરના ભવિષ્યના મારા વંશજો માટે વચન આપ્યું છે. વળી, તમે મને મહાપુરુષોની પંક્તિમાં ગણો છો! 18 “હું તમને બીજું શું કહું? તમે મને સારી રીતે ઓળખો છો, અને છતાં તમારા આ સેવકને માન આપો છો. 19 “હે પ્રભુ, તમારા મનની ઇચ્છા અને ઈરાદા પ્રમાણે તમે મારે માટે એ બધું કર્યું છે અને મને મારી ભાવિ મહાનતા દર્શાવી છે. 20 “પ્રભુ, તમારા જેવો બીજો કોઈ હોય એવું સાંભળ્યું નથી; અલબત્ત, તમે જ એકમાત્ર ઈશ્વર છો. 21 “તમારા લોક ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કોઈ પ્રજા નથી, કે જેમને તમે પોતાના લોક બનાવવા માટે ગુલામીમાંથી મુક્ત કર્યા હોય. ઇઝરાયલી લોકને તો ઇજિપ્તમાંથી મુક્ત કર્યા અને તેઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તમે બીજી પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી; એ માટે તમે કરેલાં મહાન અને આશ્ર્વર્યજનક કાર્યોથી સમસ્ત દુનિયામાં તમારી નામના ફેલાઈ ગઈ છે. 22 “તમે ઈઝરાયલી લોકોને સદાને માટે તમારા લોક બનાવ્યા છે અને હે પ્રભુ, તમે તેમના ઈશ્વર બન્યા છો. 23 “હવે હે પ્રભુ, મારા તથા મારા વંશજોના સંબંધમાં તમે આપેલાં વચનો હરહંમેશ પાળજો અને તમે જે કરવાનું કહ્યું છે તે પૂરું કરજો; 24 “જેથી તમારા નામનો સદાકાળ મહિમા થાય અને લોકો કહે કે, ‘સેનાધિપતિ પ્રભુ ઇઝરાયલી લોકોના ઈશ્વર છે.’ એ રીતે મારા રાજવંશને કાયમને માટે સ્થાપિત કરજો. 25 “હે મારા ઈશ્વર, તમને આ પ્રાર્થના કરવાની મેં હિંમત કરી છે. કારણ, તમે તમારા સેવક આગળ આ બધી વાતો પ્રગટ કરી છે અને મારા રાજવંશને સ્થાપિત કરશો એમ મને જણાવ્યું છે. 26 “હે પ્રભુ, તમે ઈશ્વર છો, અને તમે તમારા સેવકને આ શુભવચન આપ્યું છે. 27 “તો હવે મારા વંશજોને આશિષ આપો કે જેથી તેઓ તમારી કૃપા સતત પ્રાપ્ત કરતા રહે. પ્રભુ, તમે તેમને આશિષ આપી છે, તો એ આશિષ તેમના પર હરહંમેશ રહો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide