૧ કાળવૃત્તાંત 16 - પવિત્ર બાઇબલ C.L.1 તેમણે કરારપેટી લાવીને તેને માટે દાવિદે તૈયાર કરેલા મંડપમાં તેને મૂકી. પછી તેમણે ઈશ્વરને દહનબલિ અને સંગતબલિ ચઢાવ્યા. 2 એ અર્પણો ચઢાવ્યા પછી દાવિદે ઈશ્વર યાહવેને નામે લોકોને આશીર્વાદ આપ્યો, 3 અને તેમને સૌને ખોરાક આપ્યો. તેણે પ્રત્યેક ઇઝરાયલી પુરુષ અને સ્ત્રીને એકએક રોટલો, શેકેલા માંસનો કટકો અને થોડીક સૂકી દ્રાક્ષો આપ્યાં. 4 પ્રાર્થના કરવા, કીર્તન ગાવા અને સ્તુતિ કરવા અને એમ પ્રભુની કરારપેટીની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની આરાધના કરવા દાવિદે કેટલાક લેવીઓને નીમ્યા. 5 આસાફ આગેવાન હતો અને ઝખાર્યા તેનો મદદનીશ હતો. યહઝિએલ, શમિરામોથ, યેહિયેલ, માત્તિથ્યા, એલ્યાબ, બનાયા, ઓબેદ-અદોમ અને યેઈએલે વીણા તથા સિતાર બજાવવાની હતી; અને આસાફે ઝાંઝ વગાડવાનાં હતાં. 6 બનાયા અને યહઝિયેલ એ બે યજ્ઞકારોએ ઈશ્વરની કરારપેટી સમક્ષ નિયમિત રીતે રણશિંગડાં ફૂંકવાનાં હતાં. 7 દાવિદે પ્રથમ જ વાર આસાફ અને તેના ભાઈઓને પ્રભુનાં સ્તવન ગાવાનું કાર્ય એ વખતે સોંપ્યું. સ્તુતિગાન ( ગી.શા. 105:1-15 ; 96:1-13 ; 106:1 , 47 , 48 ) 8 પ્રભુનો આભાર માનો, તેમની મહત્તા પ્રગટ કરો; પ્રજાઓમાં તેમનાં કાર્યો જાહેર કરો. 9 તેમનાં ગુણગાન ગાઓ, તેમનું સ્તવન કરો; તેમનાં અદ્ભુત કાર્યો જણાવો. 10 તમે તેમના પવિત્ર નામ વિષે ગર્વ કરો; પ્રભુના ભક્તોનાં હૃદય આનંદિત થાઓ. 11 સહાયને માટે પ્રભુ તથા તેમના સામર્થ્યને શોધો, નિત્ય તેમની સન્મુખ ભજન કરો. 12-13 ઈશ્વરના સેવક ઇઝરાયલનાં સંતાનો, તેમના પસંદ કરેલ યાકોબના વંશજો, ઈશ્વરનાં અદ્ભુત કાર્યો, તેમના ચમત્કારો અને તેમનાં ફરમાન યાદ કરો. 14 તે આપણા ઈશ્વર પ્રભુ છે, તેમનાં ફરમાન સમસ્ત દુનિયા માટે છે. 15 ઈશ્વર પોતાનો કરાર સર્વકાળ અને પોતાનું વચન હજારો પેઢીઓ સુધી સંભારે છે. 16 હા, અબ્રાહામ સાથે કરેલા પોતાના કરારને અને ઇસ્હાક આગળ લીધેલા શપથને તે યાદ રાખે છે. 17 તેમણે યાકોબ આગળ એ ફરમાનનું અને ઇઝરાયલ આગળ એ કરારનું સમર્થન કર્યું. 18 તેમણે કહ્યું, “હું તને કનાન દેશ આપીશ; તે તારી પોતાની વારસાગત મિલક્ત બનશે.” 19 ઈશ્વરના લોક સંખ્યામાં જૂજ હતા; તેઓ કનાન દેશમાં અજાણ્યા હતા. 20 તેઓ એક દેશમાંથી બીજા દેશમાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્તા હતા. 21 પરંતુ પ્રભુએ એમના પર કોઈનો જુલમ થવા દીધો નહિ; તેમનું રક્ષણ કરવા તેમણે રાજાઓને ધમકી આપી. 22 મારા અભિષિક્ત સેવકોને સ્પર્શ કરશો નહિ; મારા સંદેશવાહકોને કંઈ હાનિ પહોંચાડશો નહિ. 23 સમસ્ત દુનિયા પ્રભુનાં ગુણગાન ગાઓ, તેમણે આપણને બચાવ્યા છે; એમનો વિજય પ્રતિદિન જાહેર કરો. 24 પ્રજાઓ મધ્યે તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમનાં મહાન કાર્યો જાહેર કરો. 25 પ્રભુ મહાન અને અત્યંત સ્તુતિપાત્ર છે; અન્ય દેવોની તુલનામાં માત્ર તે જ આરાધ્ય છે. 26 અન્ય પ્રજાઓના દેવો તો માત્ર મૂર્તિઓ જ છે; પણ પ્રભુ તો આકાશોના સર્જનહાર છે. 27 તેમની સન્મુખ મહિમા અને પ્રતાપ છે; તેમનો આવાસ સામર્થ્ય અને આનંદથી ભરપૂર છે. 28 હે પૃથ્વીના લોકો, તમે પ્રભુની સ્તુતિ કરો, તેમના ગૌરવ અને સામર્થ્યની પ્રશંસા કરો. 29 પ્રભુના ગૌરવી નામની પ્રશંસા કરો, અર્પણ લઈને તેમના મંદિરમાં આવો; પવિત્ર વસ્ત્રો ધારણ કરીને પ્રભુને નમન કરો. 30 આખી પૃથ્વી તેમની આગળ ધ્રૂજો! પૃથ્વી તેના સ્થાનમાં એવી રીતે સ્થિર કરાયેલી છે કે તેને હલાવી શકાય નહિ. 31 આકાશો આનંદ કરો, પૃથ્વી હર્ષ પામો, અને પ્રજાઓ સમક્ષ જાહેર કરો કે, “પ્રભુ રાજ કરે છે!” 32 સમુદ્ર અને તેમાંના સજીવો ગર્જના કરો! ખેતરો અને તેમાંનું સર્વસ્વ આનંદ કરો. 33 પ્રભુ પૃથ્વી પર રાજ ચલાવવા આવશે ત્યારે વનનાં વૃક્ષો પ્રભુ સમક્ષ હર્ષનાદ કરશે. 34 પ્રભુનો આભાર માનો; કારણ, તે ઉત્તમ છે; તેમનો પ્રેમ સનાતન છે. 35 તેમને કહો, “હે ઈશ્વર, અમારા ઉદ્ધારક, અમારો બચાવ કરો; અમને એકત્ર કરો; વિદેશી પ્રજાઓથી અમારો છુટકારો કરો, જેથી અમે તમારો આભાર માનીએ અને તમારા પવિત્ર નામની પ્રશંસા કરીએ.” 36 ઇઝરાયલના ઈશ્વર યાહવે અનાદિકાળથી અનંતકાળ પર્યંત સ્તુત્ય હો! ત્યારે સર્વ લોકોએ “આમીન” બોલીને પ્રભુની સ્તુતિ કરી. યરુશાલેમ અને ગિબ્યોનમાં ભક્તિ 37 દાવિદ રાજાએ પ્રભુની કરારપેટીની નિત્યની નિયત સેવાર્થે આસાફ અને તેના સાથી લેવીઓની નિમણૂક કરી. 38 યદૂથૂનના પુત્ર ઓબેદ-અદોમ અને તેમના કુટુંબનાં અડસઠ માણસોએ તેમને મદદ કરવાની હતી. હોસા અને ઓબેદ- અદોમ દ્વારપાળ હતા. 39 પણ સાદોક યજ્ઞકાર અને તેના સાથી યજ્ઞકારો ગિબ્યોનમાં ભજનના ઉચ્ચસ્થાનની સેવા માટે નીમાયા હતા. 40 પ્રભુએ ઇઝરાયલીઓને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેઓએ રોજ સવારે અને સાંજે વેદી પર સંપૂર્ણ દહનબલિ ચઢાવવાનો હતો. 41 એમની સાથે હેમાન, યદૂથૂન અને બીજા કેટલાક હતા, જેમને પ્રભુના સનાતન પ્રેમ માટે તેમની સ્તુતિ કરવા ખાસ નીમવામાં આવ્યા હતા. 42 સ્તુતિનાં ગીતો ગવાય ત્યારે હેમાન અને યદુથૂને રણશિંગડાં, ઝાંઝ અને બીજાં વાજિંત્રો પણ વગાડવાનાં હતાં. યદૂથૂનના કુટુંબના માણસો દ્વારપાળ હતા. 43 પછી સૌ પોતાને ઘેર ગયા, અને દાવિદ પણ પોતાના કુટુંબને શુભેચ્છા પાઠવવા પોતાને ઘેર ગયો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide