૧ કાળવૃત્તાંત 15 - પવિત્ર બાઇબલ C.L.કરારપેટી લાવવાની તૈયારી 1 દાવિદે પોતાને માટે દાવિદ- નગરમાં મહેલો બંધાવ્યા. તેણે ઈશ્વરની કરારપેટી માટે જગા તૈયાર કરી અને તેને માટે મંડપ ઊભો કર્યો. 2 પછી તેણે કહ્યું, “માત્ર લેવીઓએ જ કરારપેટી ઉપાડવી; કારણ, પ્રભુએ તેમને જ તે ઊંચકવા અને હંમેશને માટે તેમની સેવા કરવા પસંદ કર્યા છે.” 3 તેથી દાવિદે તૈયાર કરેલા સ્થાનમાં કરારપેટી લઈ આવવા માટે તેણે ઇઝરાયલના બધા લોકોને યરુશાલેમમાં એકઠા કર્યા. 4 તેણે આરોનના વંશજો અને લેવીઓને પણ બોલાવી લીધા. 5 કહાથના લેવીકુળના ગોત્રમાંથી ઉરિયેલ તેના હાથ નીચેના તેના 120 ગોત્રબધું સહિત આવ્યો. 6 મરારીના ગોત્રમાંથી અસાયા આવ્યો; તેના હાથ નીચે 220 હતા; 7 ગેર્શોનના ગોત્રમાંથી યોએલ આવ્યો; તેના હાથ નીચે 130 હતા; 8 એલિસાફાનના ગોત્રમાંથી શમાયા આવ્યો, તેના હાથ નીચે 200 હતા; 9 હેબ્રોનના ગોત્રમાંથી એલિયેલ આવ્યો, તેના હાથે નીચે 80 હતા; 10 અને ઉઝિયેલના ગોત્રમાંથી આમ્મીનાદાબ આવ્યો, તેના હાથ નીચે 112 હતા. 11 દાવિદે સાદોક અને અબ્યાથાર યજ્ઞકારોને તેમજ ઉરિયેલ, અસાયા, યોએલ શમાયા, એલિયેલ અને આમ્મીનાદાબ એ છ લેવીઓને બોલાવ્યા. 12 તેણે લેવીઓને કહ્યું, “તમે લેવીઓનાં ગોત્રના આગેવાન છો. તમે અને તમારા સાથી લેવીભાઈઓ શુદ્ધ થાઓ; જેથી મેં જે સ્થાન ઇઝરાયલના ઈશ્વર પ્રભુની કરારપેટી માટે તૈયાર કર્યું છે તેમાં તમે તેને લાવી શકો. 13 પ્રથમ વખતે તમે તેને ઊંચકી નહોતી; તેથી આપણા ઈશ્વર પ્રભુ અમારા પર તૂટી પડયા; કારણ, નિયત કરેલી પદ્ધતિ પ્રમાણે અમે તેમની સમક્ષ ગયા નહિ.” 14 તેથી ઇઝરાયલના ઈશ્વર પ્રભુની કરારપેટી લાવવા માટે યજ્ઞકારો અને લેવીઓએ પોતાને શુદ્ધ કર્યા. 15 પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા પ્રમાણે લેવીઓએ કરારપેટીને દાંડા વડે પોતાને ખભે ઉપાડી લીધી. 16 દાવિદે લેવીઓના આગેવાનોને સિતાર, વીણા અને ઝાંઝ સાથે મોટે સાદે અને આનંદપૂર્વક ગાયનવાદન કરવા માટે તેમના લેવી ભાઈઓની નિમણૂક કરવા કહ્યું. 17-21 ગાયકોના ગોત્રમાંથી તેમણે નીચેના માણસોને તાંબાનાં ઝાંઝ વગાડવા રાખ્યા: યોએલનો પુત્ર હેમાન, તેના સંબંધી બેરખ્યાનો પુત્ર આસાફ અને કુશાયાનો પુત્ર એથાન. એ મરારીના ગોત્રના હતા. તેમની મદદમાં તેમણે નીચેના લેવીઓને તીવ્ર સ્વરે સિતાર વગાડવા પસંદ કર્યા: ઝખાર્યા, બની, યાહસિયેલ, શમિરામોથ, યેહિયેલ, ઉન્ની, એલ્યાબ, માશેયા અને બનાયા. મૃદુ સ્વરે વીણા વગાડવા તેઓએ નીચેના લેવીઓને પસંદ કર્યા: મત્તિથ્યા, એલિફેલેહુ, મિકનેયા, અઝીઝયા અને મંદિરના રક્ષકો ઓબેદ, અદોમ તથા યેઈએલ. 22 કનાન્યા સંગીતમાં પ્રવીણ હોવાથી તેને લેવી સંગીતકારોના આગેવાન તરીકે પસંદ કર્યો હતો. 23-24 બેરેખ્યા અને એલ્કાના ઉપરાંત ઓબેદ-અદોમ અને યહિયાને કરારપેટીના સંરક્ષકો તરીકે પસંદ કર્યા હતા. શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાય, ઝખાર્યા, બનાયા અને એલિએઝર યજ્ઞકારોને કરારપેટીની આગળ રણશિંગડાં વગાડવા પસંદ કર્યા હતા. યરુશાલેમમાં કરારપેટી ( ૨ શમુ. 6:12-22 ) 25 આમ, દાવિદ રાજા, ઇઝરાયલના આગેવાનો અને સહાધિપતિઓ આનંદપૂર્વક ઓબેદ-અદોમના ઘરમાંથી કરારપેટી લાવવા ગયા. 26 પ્રભુની કરારપેટી ઉપાડવામાં ઈશ્વર લેવીઓની મદદ કરે તે માટે તેમણે સાત આખલા અને સાત ઘેટાંનું બલિદાન આપ્યું. 27 દાવિદે ઝીણા અળસીરેસાનાં વસ્ત્રનો ઝભ્ભો પહેર્યો હતો. એ જ પ્રમાણે સંગીતકારો, તેમનો આગેવાન કનાન્યા અને કરારપેટી ઉપાડનાર લેવીઓએ ઝીણા અળસી રેસાનાં વસ્ત્રના ઝભ્ભા પહેરેલા હતા. દાવિદે એફોદ પણ પહેર્યો હતો. 28 એમ સર્વ ઇઝરાયલીઓ હર્ષનાદસહિત, શરણાઈ, રણશિંગડાં તથા ઝાંઝ વગાડતાં અને મોટેથી સિતાર અને વીણાના વાદન સાથે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા. 29 કરારપેટી શહેરમાં આવી રહી હતી ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી દાવિદને આનંદથી નાચતોકૂદતો જોયો, અને તેને તેના પર નફરત આવી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide