૧ કાળવૃત્તાંત 14 - પવિત્ર બાઇબલ C.L.દાવિદનું કુટુંબ ( ૨ શમુ. 5:11-16 ) 1 તુરના રાજા હિરામે દાવિદ પાસે એલચીઓ મોકલ્યા અને રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં, કડિયા તથા સુથારો મોકલ્યા. 2 તેથી દાવિદને ખબર પડી કે પ્રભુએ તેને ઇઝરાયલના રાજા તરીકે સ્થાપન કર્યો છે અને તેના લોકને માટે તેના રાજ્યનો વૈભવ ઘણો વધાર્યો છે. 3 દાવિદે યરુશાલેમમાં બીજી વધારે પત્નીઓ કરી અને તેને ઘણા પુત્રો-પુત્રીઓ થયાં. 4 યરુશાલેમમાં થયેલાં તેનાં સંતાન આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, શલોમોન, 5 યિબ્હાર, એલિશૂઆ, એલપેલેટ, 6 નોગા, નેફેગ, યાફિયા, 7 એલિશામા, બિલ્યાદા અને એલિફેલેટ. પલિસ્તીઓ પર વિજય ( ૨ શમુ. 5:17-25 ) 8 દાવિદને આખા ઇઝરાયલ દેશનો રાજા બનાવવામાં આવ્યો છે એવું પલિસ્તીઓએ સાંભળ્યું ત્યારે તેઓ તેને પકડવા ચઢી આવ્યા. તેથી દાવિદે પણ તેમનો સામનો કરવા કૂચ કરી. 9 પલિસ્તીઓએ રફાઈમના ખીણપ્રદેશમાં આવીને લૂંટ ચલાવી. 10 દાવિદે ઈશ્વરને પૂછયું, “હું પલિસ્તીઓ પર હુમલો કરું? મને વિજય અપાવશો?” પ્રભુએ કહ્યું, “જા, હુમલો કર! હું તને વિજય અપાવીશ.” 11 તેથી દાવિદે બઆલ-પરાસીમ પાસે તેમના પર હુમલો કરી તેમને હરાવ્યા. તેણે કહ્યું, “પૂરનાં પાણી પાળ તોડી પાડે તેમ ઈશ્વરે મારા દ્વારા શત્રુના સૈન્યનો સંહાર કર્યો છે.” તેથી તે સ્થળનું નામ બઆલ-પરાસીમ (તોડી પાડનાર પ્રભુ) પાડયું. 12 પલિસ્તીઓ તેમની મૂર્તિઓને પોતાની પાછળ છોડી દઈને ભાગી છૂટયા. દાવિદે તે મૂર્તિઓને બાળી નંખાવી. 13 થોડા જ વખત પછી પલિસ્તીઓ રફાઈમના ખીણપ્રદેશમાં ફરી વાર આવીને લૂંટ ચલાવવા લાગ્યા. 14 દાવિદે ફરી ઈશ્વરને પૂછયું, તો તેમણે જવાબ આપ્યો, “અહીંથી હુમલો કરીશ નહિ, પણ ચકરાવો ખાઈને સામેની બાજુએ જા અને ત્યાં શેતુરનાં વૃક્ષો પાસે હુમલો કરવા તૈયાર રહે. 15 તું વૃક્ષોની ટોચ પર કૂચ કરવાનો અવાજ સાંભળે ત્યારે હુમલો કરજે; કારણ પલિસ્તીઓનો પરાજય કરવા હું તારી આગળ આગળ કૂચ કરીશ.” 16 દાવિદે ઈશ્વરના આદેશ પ્રમાણે કર્યું અને એમ તેમણે ગિબ્યોનથી છેક ગેઝર સુધી પલિસ્તીઓને મારી હઠાવ્યા. 17 દાવિદની કીર્તિ સર્વત્ર પ્રસરી ગઈ અને પ્રભુએ બધાં રાષ્ટ્રો પર તેની ધાક બેસાડી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide