Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 13 - પવિત્ર બાઇબલ C.L.


કિર્યાથ-યારીમથી કરારપેટી લાવવી
( ૨ શમુ. 6:1-11 )

1 દાવિદે સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ એટલે સર્વ આગેવાનો સાથે મંત્રણા કરી.

2 પછી ઇઝરાયલના સર્વ લોકો સમક્ષ ઘોષણા કરી કે, “તમને સૌને પસંદ હોય અને પ્રભુની ઇચ્છા હોય તો આપણે બાકીના આપણા સર્વ દેશબાંધવોને પોતપોતાનાં નગરોમાં તેમજ તેમની આસપાસનાં ગૌચરોમાં વસતા યજ્ઞકારો અને લેવીઓને આપણી પાસે અહીં એકત્ર થવા સંદેશકો મોકલીને કહેવડાવીએ.

3 પછી જઈને ઈશ્વરની કરારપેટી લઈ આવીએ; કારણ; શાઉલ રાજા હતો ત્યારે આપણે તેની ઉપેક્ષા સેવી હતી.”

4 સમગ્ર સભાને એ વાત પસંદ પડી; તેથી સૌએ તેમ કરવા સંમતિ આપી.

5 તેથી કિર્યાથ-યારીમથી કરારપેટીને યરુશાલેમ લાવવા દાવિદે દક્ષિણમાં ઇજિપ્તની સરહદે આવેલ શિહોરથી ઉત્તરમાં હમાથઘાટ સુધી સમસ્ત દેશના ઇઝરાયલી લોકોને એકત્ર કર્યા.

6 ઈશ્વરની કરારપેટી જે પાંખવાળાં પ્રાણીઓ પર બિરાજમાન ઈશ્વર યાહવેનું નામ ધારણ કરે છે તેને બાલાનગર, એટલે યહૂદિયા પ્રાંતમાં આવેલ કિર્યાથ-યારીમથી લઈ આવવા સારુ દાવિદ અને લોકો ઉપડયા.

7 તેમણે અબિનાદાબના ઘરમાંથી કરારપેટી બહાર કાઢીને નવા ગાડામાં મૂકી. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંક્તા હતા,

8 જ્યારે દાવિદ અને સર્વ ઈઝરાયલીઓ ઈશ્વરની સમક્ષ વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશિંગડાં વગાડતા વગાડતા પૂરા જોરશોરથી નાચતા અને ગાતા હતા.

9 તેઓ કિદોનના ખળા પાસે આવ્યા ત્યારે ત્યાં બળદોએ ઠોકર ખાધી, એટલે ઉઝઝાએ પોતાનો હાથ લંબાવી કરારપેટીને પકડી લીધી.

10 તરત જ ઉઝ્ઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને કરારપેટીને અડકવા બદલ તેને મારી નાખ્યો. તે ત્યાં ઈશ્વરની સમક્ષ મૃત્યુ પામ્યો.

11 તેથી, એ સ્થળનું નામ પેરેસ-ઉઝઝા (અર્થાત્ ઉઝ્ઝા પર ત્રાટકવું) પડયું, અને તે આજદિન સુધી એ જ નામે ઓળખાય છે. પ્રભુએ પોતાના કોપમાં ઉઝઝાને શિક્ષા કરી તેથી દાવિદ ગુસ્સે થઈ ગયો.

12 તે દિવસે દાવિદે ઈશ્વરથી ગભરાઈ જઈને કહ્યું, “હવે હું કરારપેટી કેવી રીતે લઈ જઉં?”

13 તેથી દાવિદ તેને પોતાની સાથે દાવિદનગરમાં લઈ ગયો નહિ. એને બદલે, તેણે એને ગાથના વતની ઓબેદઅદોમના ઘરમાં રાખી.

14 તે ત્યાં ત્રણ માસ રહી, અને પ્રભુએ ઓબેદઅદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશિષ આપી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan