૧ કાળવૃત્તાંત 12 - પવિત્ર બાઇબલ C.L.બિન્યામીનના કુળમાંથી દાવિદના આરંભના ટેકેદારો 1 દાવિદ કીશના પુત્ર શાઉલ રાજાથી નાસી છૂટીને સિકલાગમાં રહેતો હતો ત્યારે યુદ્ધમાં મદદરૂપ થનાર ઘણા અનુભવી શૂરવીર પુરુષો તેની સાથે જોડાઈ ગયા. 2 તેઓ શાઉલના બિન્યામીનના કુળના હતા. તેઓ નિપુણ તીરંદાજ હતા અને જમણે કે ડાબે હાથે બાણ મારી શક્તા અને ગોફણથી પથ્થર મારી શક્તા. 3-7 તેઓ ગિબ્યા નગરના શમ્માના પુત્રો અહિએઝેર અને યોઆશની સરદારી હેઠળ હતા. એ સૈનિકો આ પ્રમાણે છે: આઝમાવેથના પુત્રો યેઝિયેલ અને પેલેટ, અનાથોથમાંના બરાખા તથા યેહૂ, શૂરવીર સૈનિકો અને “ત્રીસ યોદ્ધાઓ” આગેવાન ગિબ્યોનમાંનો યિશ્માયા, ગદેરાનગરના યર્મિયા, યહઝિયેલ, યોહાનાન અને યોઝાબાદ; હારીફમાંના એલુઝાય, યરીમોથ, બાલિયા, શમાર્યા અને શફાટયા; કોરાના વંશજો એલ્કાના, યિશિયા, અઝારએલ, યોઝેર, યશોબ્યામ; ગેદોરમાંના યોએલા અને ઝબાયા, ગાદના કુળમાંથી દાવિદના ટેકેદારો 8 દાવિદ વેરાનપ્રદેશમાં ગઢમાં હતો ત્યારે તેના સૈન્યમાં ગાદના કુળમાંથી જોડાનાર યુદ્ધકુશળ શૂરવીર સૈનિકોનાં નામ આ છે. તેઓ ઢાલ અને ભાલા વાપરવામાં પાવરધા હતા. વળી, સિંહના જેવા વિકરાળ અને પહાડી હરણના જેવા ચપળ હતા. 9-13 તેમની કક્ષા આ ક્રમ પ્રમાણે હતી: એઝેર, ઓબાદ્યા, એલિયાબ, મિશમાન્ના, યર્મિયા, આત્તાય, એલિયેલ, યોહાનાન, એલ્ઝાબાદ, યર્મિયા અને માખ્બાન્નાય. 14 ગાદકુળના આ માણસોમાં ઉચ્ચકક્ષાના અધિપતિ હજારહજારની ટુકડીના અને ઉતરતી કક્ષાના અધિપતિ સો સોની ટુકડીના હવાલામાં હતા. 15 એકવાર વર્ષના પ્રથમ માસમાં, જ્યારે યર્દન નદી બન્ને કાંઠે છલક્તી હતી ત્યારે નદી પાર કરીને એના પૂર્વ અને પશ્ર્વિમ કિનારે આવેલ ખીણપ્રદેશમાં રહેતા સર્વ લોકોને તેમણે નસાડી મૂક્યા હતા. બિન્યામીન અને યહૂદાના કુળના ટેકેદારો 16 એકવાર બિન્યામીન અને યહૂદાના કુળમાંથી કેટલાક માણસો દાવિદની પાસે ગઢમાં આવ્યા. 17 દાવિદ તેમને મળવા આવ્યો અને તેમને કહ્યું, “તમે મને મિત્રભાવે સહાયને માટે આવ્યા હો તો હું તમારું સ્વાગત કરું છું. અમારી સાથે જોડાઈ જાઓ! પણ હું તમને કંઈ નુક્સાન કરું નહિ તો ય તમે મને દગાથી મારા શત્રુઓને સ્વાધીન કરો તો આપણા પૂર્વજોના ઈશ્વર એ ધ્યાનમાં લઈને તમને શિક્ષા કરો.” 18 ઈશ્વરના આત્માએ દાવિદના ત્રીસ શૂરવીરોના ઉપરી અમાસાયનો કબજો લીધો અને તે બોલી ઊઠયો, “હે દાવિદ, અમે તારા છીએ! હે યિશાઇપુત્ર, અમે તારે પક્ષે છીએ. તારો જય હો! તારા સાથીદારોનો જય હો! ઈશ્વર તારી સહાય કરનાર છે!” દાવિદે તેમનો સ્વીકાર કર્યો અને તેમને લશ્કરમાં અધિકારીઓ બનાવ્યા. મનાશ્શાના કુળના ટેકેદારો 19 શાઉલ રાજા સામે લડવાને દાવિદ પલિસ્તીઓ સાથે ગયો ત્યારે મનાશ્શાકુળના કેટલાક માણસો દાવિદના પક્ષમાં ભળી ગયા. વાસ્તવમાં, તેણે પલિસ્તીઓને મદદ કરી નહોતી; કારણ, પલિસ્તીઓના રાજવીઓને ડર હતો કે દાવિદ તેના અગાઉના માલિક શાઉલ તરફ ફરી જઈ તેમને દગો કરે તો તેમનાં શિર જોખમમાં મૂક્ય. તેથી તેમણે તેને પાછો સિકલાગ મોકલી દીધો હતો. 20 દાવિદ પાછો ફરતો હતો ત્યારે તેના પક્ષમાં ભળી જનાર સૈનિકો આ છે: આદના, યોઝાબાદ, યદિયેલ, મિખાયેલ, યોઝાબાદ એલીહૂ અને સિલ્લથાય. તેઓ બધા મનાશ્શાના કુળના સહસ્ત્રાધિપતિઓ હતા. 21 તેઓ દાવિદની લશ્કરી ટુકડીઓના અધિકારીઓ હતા; કારણ તેઓ સૌ કુશળ યોદ્ધાઓ હતા. પાછળથી તેઓ ઇઝરાયલી સૈન્યમાં સેનાપતિઓ થયા. 22 દાવિદના સૈન્યમાં રોજરોજ માણસો ઉમેરાતા જતા હતા તેથી તેનું સૈન્ય ઈશ્વરના સૈન્ય જેવું મોટું થઈ ગયું. દાવિદનાં લશ્કરીદળોની યાદી 23-37 પ્રભુએ આપેલા સંદેશ પ્રમાણે શાઉલને સ્થાને દાવિદને રાજા બનાવવા ઘણા તાલીમબદ્ધ સૈનિકો તેને હેબ્રોનમાં આવી મળ્યા હતા. તેમની સંખ્યા આ પ્રમાણે છે: યહૂદાના વંશના: ઢાલ અને ભાલાધારી એવા 6,800 સુસજ્જ સૈનિકો; શિમયોનના વંશના: 7,100 તાલીમબદ્ધ સૈનિકો; લેવીના વંશના: કુલ 4,600 સૈનિકો; આરોનના વંશજ યહોયાદાના હાથ નીચેના 3,700 સૈનિકો; યુવાન પરાક્રમી યોદ્ધા સાદોકના સંબંધીઓ: 22 શૂરવીરો. બિન્યામીનના વંશના (શાઉલના પોતાના કુળના): 3,000 સૈનિકો. (બિન્યામીન કુળના મોટા ભાગના લોકો શાઉલને વફાદાર રહ્યા હતા); એફ્રાઈમના વંશના: પોતાના ગોત્રના 20,800 શૂરવીર સૈનિકો; પશ્ર્વિમમાં વસેલા મનાશ્શાના વંશના: દાવિદને રાજા બનાવવા પસંદ કરીને મોકલાયેલ 18,000 સૈનિકો; ઇસ્સાખારના વંશના: 200 આગેવાનો અને તેમના હાથ નીચેના માણસો (ઇઝરાયલે ક્યારે શાં પગલાં ભરવાં એનો નિર્ણય કરવામાં એ આગેવાનો બાહોશ હતા.); ઝબુલૂનના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 50,000 વફાદાર લડવૈયા; નાફતાલીના વંશના: 1000 આગેવાનો અને તેમની સાથેના ઢાલ અને ભાલાધારી 37,000 સૈનિકો; દાનના વંશના: 28,600 તાલીમબદ્ધ સૈનિકો; આશેરના વંશના: યુદ્ધને માટે સુસજ્જ 40,000 સૈનિકો; યર્દનની પૂર્વ તરફના રૂબેન, ગાદ અને પૂર્વમાં વસેલા મનાશ્શાના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 1,20,000 સૈનિકો. 38 આ બધા શૂરવીર લડવૈયા દાવિદને સમસ્ત ઇઝરાયલ પર રાજા બનાવવાનો દૃઢ નિશ્ર્વય કરી હેબ્રોન આવ્યા હતા. બધા ઇઝરાયલીઓ પણ દાવિદને રાજા બનાવવાની બાબતમાં એકમત હતા. 39 તેઓ દાવિદ સાથે ત્રણ દિવસ રહ્યા અને ખાઈપીને ઉત્સવ કર્યો. 40 વળી, છેક ઉત્તરના ઇસ્સાખાર, ઝબુલૂન અને નાફતાલીનાં કુળોમાંથી તેમના પડોશીબધુંઓ પણ ગધેડાં, ઊંટો, ખચ્ચર અને બળદો પર લોટ અને ખારેક, અંજીરનાં ચક્તાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલ લાદીને લાવ્યા હતા. કાપીને ખાવા માટે તેઓ પશુ અને ઘેટાં પણ લાવ્યા હતા. કારણ, આખા ઇઝરાયલ દેશમાં આનંદ વ્યાપી રહ્યો હતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide