૧ કાળવૃત્તાંત 11 - પવિત્ર બાઇબલ C.L.દાવિદ ઇઝરાયલ અને યહૂદિયાનો રાજા બને છે ( ૨ શમુ. 5:1-10 ) 1 સર્વ ઇઝરાયલી લોકોએ દાવિદ પાસે હેબ્રોન જઈને તેને કહ્યું, “અમે તારા નિકટનાં કુટુંબીઓ છીએ. 2 ભૂતકાળમાં શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ યુદ્ધની અવરજવરમાં તું જ અમારો અગ્રેસર હતો. તારા ઈશ્વર પ્રભુએ તને વચન આપ્યું હતું કે તું તેમના લોકોનો પાલક અને અધિપતિ બનશે.” 3 એમ ઇઝરાયલી લોકોના સર્વ આગેવાન દાવિદ પાસે હેબ્રોનમાં એકત્ર થયા. ત્યાં દાવિદે પ્રભુની સમક્ષ તેમની સાથે કરાર કર્યો અને શમુએલ દ્વારા પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે દાવિદનો અભિષેક કર્યો અને તે ઇઝરાયલનો રાજા બન્યો. 4 દાવિદ રાજાએ અને સર્વ ઇઝરાયલીઓએ યરુશાલેમ પર ચડાઈ કરી. ત્યારે તે યબૂસ તરીકે ઓળખાતું હતું અને દેશના મૂળ રહેવાસી યબૂસીઓ તેમાં રહેતા હતા. 5 યબૂસીઓએ દાવિદને કહ્યું કે તું નગરમાં પ્રવેશી શકવાનો નથી; પણ દાવિદે તેમનો સિયોનનો કિલ્લો જીતી લીધો. તે પછી તે “દાવિદનગર” કહેવાયો. 6 દાવિદે કહ્યું, “જે કોઈ યબૂસીઓ પર પ્રથમ ત્રાટકે તે સેનાપતિ બનશે!” યોઆબે સૌ પ્રથમ હુમલો કર્યો અને સેનાપતિ બન્યો. તેની માનું નામ સરૂયા હતું. 7 દાવિદ એ કિલ્લામાં રહેવા ગયો તેથી તે ‘દાવિદનગર’ તરીકે ઓળખાયો. 8 ટેકરીની પૂર્વ તરફ જ્યાં જમીનનું પુરાણ થઈ ગયું હતું. ત્યાંથી શરૂ કરી તેણે શહેરને ફરીથી બાંધ્યું. બાકીના શહેરને યોઆબે સમાર્યું. 9 દાવિદ વધારે ને વધારે બળવાન થતો ગયો; કારણ, સેનાધિપતિ પ્રભુ તેની સાથે હતા. દાવિદના ખ્યાતનામ યોદ્ધા ( ૨ શમુ. 23:8-39 ) 10 દાવિદના શૂરવીર યોદ્ધાઓ જેમણે તેને પૂરો ટેકો આપ્યો અને પ્રભુએ દાવિદને આપેલા વચન પ્રમાણે સૌ ઈઝરાયલીઓની સાથમાં રહીને તેના રાજ્યને સંગીન બનાવવા સહાય કરી, તેમની યાદી આ પ્રમાણે છે: 11 પ્રથમ હાખ્મોનના ગોત્રનો યાશોબ્યામ હતો. તે ત્રણ શૂરવીરોમાં મુખ્ય હતો. તે રફાઈમના ખીણપ્રદેશમાં ત્રણસો માણસો સાથે પોતાના ભાલા વડે લડયો અને એક લડાઈમાં જ એ બધાને મારી નાખ્યા. 12 ખ્યાતનામ ત્રણ શૂરવીરોમાં બીજો અહોના ગોત્રના દોદોનો પુત્ર એલાઝાર હતો. 13 પાસ-દામ્મીમમાં પલિસ્તીઓ સાથેની લડાઈમાં તે દાવિદને પક્ષે લડયો હતો. ઇઝરાયલીઓ ભાગવા લાગ્યા ત્યારે તે જવના ખેતરમાં હતો. 14 તે અને તેના માણસો ખેતરની મધ્યે અડીખમ રહી પલિસ્તીઓ સાથે લડયા. પ્રભુએ તેને મહાન વિજય પમાડયો. 15 એક દિવસે ત્રીસ અગ્રગણ્ય યોદ્ધાઓમાંના ત્રણ શૂરવીરો દાવિદ જ્યાં રહેતો હતો એ અદુલ્લામની ગુફા પાસે આવેલ ખડકે ગયા. પલિસ્તીઓએ રફાઈમમાં પડાવ નાખ્યો હતો. 16 એ વખતે દાવિદ ગઢમાં હતો અને પલિસ્તીઓએ બેથલેહેમનો કબજો લીધો હતો. 17 દાવિદે આતુરતાપૂર્વક કહ્યું, “બેથલેહેમમાં દરવાજા પાસે આવેલા કૂવાનું પાણી લાવીને મને કોઈ પીવડાવે તો કેવું સારું!” 18 પેલા ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણી પાર કરી કૂવામાંથી પાણી કાઢી લાવી દાવિદને આપ્યું. પણ તેણે તે પીધું નહિ, પણ પ્રભુને પેયાર્પણ તરીકે ચઢાવતાં રેડી દીધું. 19 તેણે કહ્યું, “ઈશ્વરને સમક્ષ રાખીને હું એ પીઉં એવું તે ન થવા દો. એ તો પોતાના જાન જોખમમાં નાખનાર આ માણસોનું રક્ત પીવા બરાબર છો!” એમ તેણે તે પાણી પીવાની ના પાડી. ત્રણ શૂરવીર યોદ્ધાઓનાં એ પરાક્રમ છે. 20 યોઆબનો ભાઈ અબિશાય ખ્યાતનામ ત્રીસ યોદ્ધાઓનો આગેવાન હતો. લડાઈમાં ત્રણસો માણસોને પોતાના ભાલા વડે મારી નાખ્યા અને ત્રીસમાં પ્રખ્યાત બન્યો. 21 ત્રીસ યોદ્ધાઓમાં તે સૌથી પ્રખ્યાત હતો અને તેમનો આગેવાન બન્યો પણ તે પેલા ત્રણ શૂરવીરોની બરાબરી કરી શક્યો નહિ. 22 કાબ્સએલના વતની યહોયાદાનો પુત્ર બનાયા પરાક્રમી યોદ્ધો હતો. મોઆબના બે મહાન યોદ્ધાઓને મારી નાખવા ઉપરાંત તેણે બીજાં ઘણાં પરાક્રમી કામો કર્યાં હતાં. એક દિવસે હિમવર્ષા થતી હતી ત્યારે તેણે બોડમાં જઈને સિંહને મારી નાખ્યો હતો. 23 તેણે બે મીટર ઊંચા કદાવર ઇજિપ્તીને મારી નાખ્યો. એ ઇજિપ્તી પાસે સાળના પાટડા જેવો મોટો ભાલો હતો. બનાયાએ એક લાકડી વડે ઇજિપ્તી પર હુમલો કરીને તેના હાથમાંથી ભાલો ખૂંચવી લીધો અને તેના વડે જ તેને પૂરો કર્યો. એ બનાયાનાં પરાક્રમી કામો હતાં. 24 તે ત્રીસમાંનો એક હતો. 25 પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાવિદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી બનાવ્યો હતો. 26-47 બીજા શૂરવીર સૈનિકો આ પ્રમાણે છે: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન, હારોરનો વતની શામ્મોથ, પેલોનનો વતની હેલેસ, તકોઆ નગરના ઈક્કેશનો પુત્ર ઈરા, અનાથોથમાંનો અબિએઝેર, હુશામાંનો સિબ્બેક્ય, અહોમાંનો ઈલાય, નટોફામાંનો મહારાય, નટોફામાંના બાનાનો પુત્ર હેલેદ, બિન્યામીનના ગિલ્યાદમાંના રિબઈનો પુત્ર ઇથાય, પિરાથોનમાંનો બનાયા, ગાશનાં ઝરણાં પાસેનો વતની હુરાય, આર્બામાંનો અબિએલ, બાહુરીમમાંનો આઝમાવેથ, શાલ્બોનમાંનો એલ્યાબા, ગેઝોનમાંનો હાશેમ, હારારમાંના શાગેનો પુત્ર યોનાથાન, હારારમાંના સાખારનો પુત્ર અહિયામ, ઉરનો પુત્ર એલિફાલ, મખેરામાંનો હેફેર, પેલોનમાંનો અહિયા, ર્કામેલમાંનો હેઝો, એસ્બાયનો પુત્ર નારાય, નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો પુત્ર મિબ્હાર, આમ્મોનમાંનો સેલેક, બેરોથમાંનો યોઆબનો શસ્ત્રવાહક નાહારાય, યાત્તિરમાંનો ઈરા અને ગારેબ, ઉરિયા હિત્તી, આહલાયનો પુત્ર ઝાબાદ, શિઝાનો પુત્ર અદિના (તે રૂબેનના કુળનો અગ્રગણ્ય સભ્ય હતો અને તેની પોતાની ત્રીસ સૈનિકોની ટુકડી હતી), માખાનો પુત્ર હાનાન, મિથાનમાંનો યહોશાફાટ, આશ્તેરામાંનો ઉઝિઝયા, અરોએરમાંના હોથામના પુત્રો શામા અને યેઈએલ, તીઝમાંના શિમ્રીના પુત્રો યદીએલ અને યોહા, માહવામાંનો એલિયેલ, એલ્નામ અને ઈથ્માના, પુત્રો યરીબઆલ અને યોશાવ્યા, મોઆબી યિથ્મા, સોબામાંના એલિયેલ, યોબેદ અને યાહસીએલ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide