૧ કાળવૃત્તાંત 10 - પવિત્ર બાઇબલ C.L.શાઉલ રાજાનું મૃત્યુ ( ૧ શમુ. 31:1-13 ) 1 પલિસ્તીઓએ ગિલ્બોઆ પર્વત પર ઈઝરાયલીઓ સામે યુદ્ધ કર્યું. ઘણા ઈઝરાયલીઓ ત્યાં માર્યા ગયા; જ્યારે બાકીના બધા નાસી છૂટયા. 2 પલિસ્તીઓએ શાઉલ તથા તેના પુત્રોનો પીછો કર્યો. શાઉલના ત્રણેય પુત્રો એટલે, યોનાથાન, અબિનાદાબ અને માલ્ખીશૂઆ માર્યા ગયા. 3 શાઉલની આસપાસ દારુણ યુદ્ધ મચ્યું અને તે શત્રુઓનાં બાણોથી સખત ઘવાયો. 4 તેણે પોતાના યુવાન શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર ખેંચીને મને આરપાર વીંધી નાખ, નહિ તો આ પરપ્રજાના પલિસ્તીઓ આવીને મારું અપમાન કરશે. પરંતુ તે યુવાન એમ કરતાં બહુ બીધો. તેથી શાઉલે પોતાની તલવાર લઈને તે પર પડતું મૂકાયું. 5 શાઉલ મરણ પામ્યો છે એ જોઈને પેલો યુવાન શસ્ત્રવાહક પણ પોતાની તલવાર પર પડતું મૂકીને મૃત્યુ પામ્યો. 6 એમ શાઉલ અને તેના ત્રણ પુત્રો એકી સાથે મરણ પામ્યા અને શાઉલના રાજ્યનો અંત આવ્યો. 7 યિઝયેલની ખીણમાં વસતા ઇઝરાયેલીઓ સાંભળ્યું કે તેમનું સૈન્ય ભાગીએ છૂટયું છે અને શાઉલ તથા તેના પુત્રો માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો છોડી નાસી છૂટયા. પછી પલિસ્તીઓ આવીને એ નગરોમાં વસ્યા. 8 લડાઈને બીજે દિવસે પલિસ્તીઓ પડેલાં શબ ઉપરથી સાધનસરંજામ લૂંટી લેવા ગયા. તો તેમણે ગિલ્બોઆ પર્વત પર શાઉલ અને તેના પુત્રોના મૃતદેહ પડેલા જોયા. 9 તેમણે શાઉલનું મસ્તક કાપી નાખ્યું અને તેનું બખ્તર ઉતારી લીધું. પછી એ લઈને પોતાની મૂર્તિઓ અને પોતાના લોકને શુભ સમાચાર પહોંચાડવા આખા પલિસ્તીયામાં સંદેશકો મોકલ્યા. 10 તેમણે તેનાં શસ્ત્રો તેમના એક મંદિરમાં મૂક્યાં અને શાઉલનું માથું તેમના દેવ દાગોનના મંદિરમાં ટાંગ્યું. 11 પલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તેની ગિલ્યાદ પ્રાંતના યાબેશ નગરના લોકોને જાણ થઈ. 12 તેથી ત્યાંના શૂરવીર માણસો ત્યાં જઈને શાઉલ અને તેના પુત્રોનાં શબ યાબેશમાં લઈ આવ્યા. ત્યાં એક મસ્તગીવૃક્ષ નીચે તેમણે તેમને દફનાવ્યા અને સાત દિવસ શોક પાળ્યો. 13 પ્રભુને વફાદાર નહિ હોવાને લીધે શાઉલ મરણ પામ્યો. પ્રભુની આજ્ઞાનો અનાદર કરીને તેણે મૃતાત્માને સાધીને માર્ગદર્શન આપનારની સલાહ લેવાનો પ્રયાસ કર્યો; 14 પણ પ્રભુની સલાહ મેળવી નહિ. તેથી પ્રભુએ તેને મારી નાખ્યો અને તેનું રાજ્ય યિશાઈના પુત્ર દાવિદને સોંપ્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide