સફાન્યા 2 - પવિત્ર બાઈબલયહોવા તરફ વળવા માટે હાકલ 1 ઓ શરમ વગરના લોકો! તમે સાથે મળી ભેગા થાઓ. 2 ચુકાદાનો સમય આવે અને ઊડી જતાં ફોતરાની જેમ દિવસ પસાર થઇ જાય તે પહેલા તમને યહોવાનો રોષ સખત રીતે ઇજા પહોંચાડે તે પહેલા, યહોવાના રોષનો દિવસ તમને પકડી પાડે તે પહેલાં તમે એકત્ર જાઓ! 3 દેશના સર્વ નમ્ર લોકો યહોવાને શોધવાનો પ્રયત્ન કરે છે, તમારામાંથી જેઓ તેની આજ્ઞા પ્રમાણે કરે છે, જે સાચું હોય તે કરો, નમ્રતા પ્રાપ્ત કરવા મથો: તો કદાચ યહોવાના રોષને દિવસે તમને આશ્રય મળશે. યહોવા ઇસ્રાએલના પડોશીઓને સજા કરશે 4 કારણ કે ગાઝાને તજી દેવામાં આવશે, ને આશ્કલોન વેરાન થઇ જશે. આશ્દોદના લોકોને ખરે બપોરે હાંકી કાઢવામાં આવશે, અને એક્રોનનો ઉચ્છેદ કરવામાં આવશે. 5 સમુદ્રકાંઠે રહેનારા પલિસ્તીઓને અફસોસ! હે પલિસ્તીઓના દેશ કનાન, યહોવાનું વચન તમારી વિરૂદ્ધ છે; હું તમારો એવી રીતે નાશ કરીશ કે તમારામાંની એક પણ વ્યકિત તમારા દેશમાં રહેશે નહિ. 6 દરિયાકાંઠો ઢોર ચરાવવાનું ચરાણ બની જશે. ફકત ભરવાડના ઝૂંપડા અને ઘેટાઁબકરાઁ રાખવાની છાપરી જ રહેશે. 7 કાંઠાનો પ્રદેશ યહૂદાના રહ્યાંસહ્યાં લોકોના હાથમાં જશે. તે લોકો ત્યાં ઘેટાઁબકરાઁ ચરાવશે અને સાંજે આશ્કલોનના ઘરોમાં સૂઇ જશે, કારણ, તેમના દેવ યહોવા ફરીથી તેમનું ભાગ્ય ફેરવી નાખનાર છે. 8 યહોવા કહે છે, “મોઆબે કરેલી નિંદા અને આમ્મોનીઓએ મારી પ્રજાના કરેલા અપમાન મેં સાંભળ્યાં છે. તથા તેની ભૂમિ તેઓએ પચાવી પાડવાની કોશિષ કરી છે. 9 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હવે મોઆબ અને આમ્મોનના હાલ સદોમ અને ગમોરાના જેવા થશે; એ સદાને માટે મીઠાની ખાણ અને ઝાંખરાવાળો ઉજ્જડ પ્રદેશ બની જશે, મારા અતિજીવીઓ તે ભૂમિનો કબજો લેશે અને તેમાથી લૂંટનો માલ લેશે.” 10 તેઓના અભિમાનનો બદલો તેઓને મળશે, કારણકે તેઓએ સૈન્યોનો દેવ યહોવાના લોકોનું અપમાન કર્યુ હતું અને તેઓ સામે ઉદ્ધતાઇ કરી હતી. 11 યહોવા તેમના માટે ડરામણા બની જશે. તે પૃથ્વીના બધા દેવોને હતા ન હતા કરી નાખશે, અને પછી જ દૂરના દરિયાકાંઠાના પ્રદેશના લોકો પોતપોતાના દેશમાં તેમની આરાધના કરશે. 12 એજ રીતે કૂશીઓ પણ તેમની તરવારથી માર્યા જશે. 13 તે ઉત્તરમાં પોતાનો બાહુ લંબાવી આશ્શૂરનો નાશ કરશે. નિનવેહને ઉજ્જડ અને રણ જેવું સૂકુંભઠ્ઠ બનાવી દેશે. 14 અને દરેક જાતનાં જંગલી પ્રાણીઓના ટોળાં ત્યાં વાસો કરશે. તેના થાંભલા પર વિસામો કરશે, તેમના અવાજો બારીમાંથી આવશે, વિનાશ દરવાજે આવી ગયો છે. દેવદારના થાંભલાઓ ઊઘાડા પડી ગયાં છે. 15 સમૃદ્ધ ગણાતું અને સુરક્ષિત નગર પોતાના માટે ગર્વથી કહેતું હતું, “મારા જેવું મહાનગર બીજું એક પણ નથી.” હવે તે નગરની સામે જુઓ, તે કેવું વેરાન થઇ ગયું છે! વળી તે પશુઓના રહેવાનું સ્થાન થઇ ગયું છે! તેની પાસે થઇને જનાર દરેક માણસ મશ્કરી કરશે, અને પોતાની મુઠ્ઠી હલાવશે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International