Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સફાન્યા 1 - પવિત્ર બાઈબલ

1 યહૂદાના રાજાની, એટલે આમોનના પુત્ર યોશિયાની કારકિદીર્ દરમ્યાન, હિઝિક્યાના પુત્ર અમાર્યાના પુત્ર ગદાલ્યાના પુત્ર કૂશીના પુત્ર સફાન્યાને સંભળાયેલી યહોવાની વાણી.


લોકોનો ન્યાય કરવાનો યહોવાનો દિવસ

2 યહોવા કહે છે કે, “હું આ પૃથ્વીની સપાટી પરથી એકેએક વસ્તુનો સંપૂર્ણ વિનાશ કરવા માંગું છું.

3 હું મનુષ્યની સાથે પશુઓનો પણ સંહાર કરીશ. આકાશના પક્ષીઓ અને સમુદ્રના માછલાં પણ નાશ પામશે. અને દુષ્ટ વસ્તુઓ જે તેમને લથડાવે છે તે પણ નાશ પામશે. અને હું માણસને ધરતીની સપાટી પરથી દૂર કરીશ,” એમ યહોવા કહે છે.

4 “હું યહૂદા અને યરૂશાલેમના બધા વતનીઓ સામે મારો હાથ ઉગામીશ, અને હું આ જગ્યાએથી બઆલનું નામોનિશાન મિટાવી દઇશ, હું ઇસ્રાએલના યાજકો સાથે પણ ક્રમારીમના યાજકોના નામનો અંત લાવીશ.

5 તેઓ ઘરની અગાશી પર જઇને આકાશના સૈન્યની ભકિત કરે છે, અને તેઓ યહોવાને અનુસરે છે પણ સાથે સાથે માલ્કામનું પણ ભજન કરે છે! ને તેમના નામે સમ ખાય છે. તેમનો પણ હું સંહાર કરીશ.

6 જે લોકો મારાથી વિમુખ થઇ ગયા છે, તેમનો હું નાશ કરીશ. જેઓ મને શોધવાની કે મારી સલાહ લેવાની કોશિશ કરતાં નથી.”

7 યહોવા મારા પ્રભુની સંમુખ શાંત રહેજો; કારણ કે યહોવાનો દિવસ આવી પહોંચ્યો છે. યહોવાએ યજ્ઞની તૈયારી કરી છે અને અતિથિઓને પવિત્ર કર્યા છે.

8 યહોવા કહે છે, “હું મારા યજ્ઞને દિવસે રાજ્યના અમલદારોને, રાજવંશીઓને, તેમજ વિદેશી રીવાજો પાળનારાઓને શિક્ષા કરીશ.

9 જેઓ ઉંબરો ઓળંગી અને પોતાના દેવોના મંદિરો ભરવા માટે જુલમ અને છેતરપિંડી કરે છે તે સર્વને હું શિક્ષા કરીશ.

10 “તે દિવસે મચ્છી દરવાજેથી પોકાર ઊઠશે, નવા બંધાયેલા ભાગમાંથી પોક મુકાશે અને ડુંગરોમાંથી ભારે મોટા અવાજ સંભળાશે.

11 હે શહેરના નીચાણવાળા ભાગના રહેવાસીઓ, વિલાપ કરો, કારણ કે હવે કોઇ વેપારીઓ રહ્યાં નથી, જેઓ પાસે ચાંદી છે તે સર્વનો નાશ થશે.

12 “જેઓ પોતાના વ્યવસાયમાં અધર્મના માર્ગથી સ્થિર થયા હોય, અને ‘યહોવા અમારું કશું ખરાબ નહિ કરે કે ભલું નહિ કરે’ એવું માનનારાઓને તે વખતે હું દીવો લઇને યરૂશાલેમના વિસ્તારોમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ.

13 તેઓની સંપત્તિ તેઓના દ્વારા લૂંટાઇ જશે, દુશ્મનો તેઓનાં ઘરોનો નાશ કરશે. પોતે બાંધેલા ઘરોમાં તેઓ રહેવા પામશે નહિ, અને પોતે રોપેલી દ્રાક્ષાવાડીઓનો દ્રાક્ષારસ તેઓ પીવા પામશે નહિ.”

14 હવે યહોવાનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે, યહોવાના દિવસનો સાદ સંભળાય છે, તે વખતે બળવાન માણસ પોક મૂકીને રડે છે.

15 તે દિવસ કોપનો દિવસ, દુ:ખ તથા સંકટનો દિવસ, વિનાશનો તથા ઉદાસીનતાનો દિવસ છે. અંધકાર તથા અકળામણનો દિવસ છે. વાદળોથી ઘેરાયેલો અંધકારથી ભરેલો દિવસ છે.

16 કોટવાળાં નગરો વિરૂદ્ધ તથા ઊંચા બુરજો વિરૂદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે.

17 યહોવા કહે છે, “હું માણસોને એવી મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દઇશ કે તેઓ આંધળા માણસની જેમ ચાલશે, તેમનું લોહી જમીન પર વહેશે અને તેઓના શરીર લાદની જેમ રઝળશે. કેમ કે તેઓએ યહોવાની વિરુદ્ધ પાપ કર્યુ છે.

18 યહોવાના કોપને દિવસે તેમનું સોનું ચાંદી તેમને ઉગારી શકશે નહિ, પણ સમગ્ર ભૂમિ યહોવાના પ્રચંડ ક્રોધાજ્ઞિમાં ભસ્મીભૂત થઇ જશે. કારણકે ભૂમિ ઉપર વસનારા સૌ કોઇનો તે અવશ્ય અંત લાવનાર છે.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan