ઝખાર્યા 8 - પવિત્ર બાઈબલયરૂશાલેમ આશીર્વાદિત થશે 1 ફરીથી સૈન્યોનો દેવ યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “મને યરૂશાલેમ પ્રત્યે એકનિષ્ઠ પ્રેમ છે, અને તેથી હું ખૂબ રોષે ભરાયો છું. 3 હવે યહોવા આ પ્રમાણે કહે છે; હું સિયોનમાં પાછો આવ્યો છું. અને હું યરૂશાલેમમાં રહીશ અને યરૂશાલેમ ‘સત્યનું નગર કહેવાશે’ અને સૈન્યોનો દેવ યહોવાનો ‘પવિત્રપર્વત’ કહેવાશે.” 4 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “યરૂશાલેમમાં ફરીથી તેની શેરીઓમાં વૃદ્ધ પુરૂષો અને સ્ત્રીઓ ચાલશે તેઓને ચાલવા માટે લાકડીની જરૂર પડશે, કારણ કે તેઓ લાંબો સમય જીવશે. 5 રમતાં છોકરાઓ અને છોકરીઓથી નગરની શેરીઓ ભરાઇ જશે.” 6 સૈન્યોનો દેવ યહોવા કહે છે; “જો પ્રજાના બચેલા લોકોને એમ લાગે કે આ આ અદૃભૂત છે, તો મને પણ એમ લાગે છે કે તે અદ્ભૂત છે.” 7 જુઓ, સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ; 8 યરૂશાલેમમાં શાંતિથી રહેવા માટે હું તેઓને ફરી પાછા ઘરે લાવીશ. તેઓ મારી પ્રજા થશે અને હું તેઓનો સત્યથી તથા ન્યાયી દેવ થઇશ.” 9 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હિંમત રાખો! મારા મંદિરનો પાયો નંખાયો અને બાંધકામ શરૂ થયું ત્યારે હાજર હતા તે પ્રબોધકોને મુખેથી તમે જે વચનો સાંભળ્યાં હતા તે આજે પણ પાળો છો. 10 તે સમય પહેલાં કોઇ માણસને કે પશુને મજૂરીએ રાખી શકાતું નહોતું. અને શત્રુની બીકે કોઇ સહીસલામત રીતે હરીફરી શકતું નહોતું. મેં માણસોને એકબીજાના દુશ્મન બનાવી દીધા હતા. 11 પણ હવે હું એ લોકોમાંના બચવા પામેલા માણસો સાથે પહેલાની જેમ નહિ વર્તું.” એવુ યહોવા કહે છે. 12 “હવે હું તમારી મધ્યે શાંતિ અને સમૃદ્ધિ લાવીશ. તમારાં ખેતરોમાં વધારે અનાજ પાકશે, દ્રાક્ષાવેલાઓ દ્રાક્ષાથી લચી પડશે. ઘણાં વરસાદને લીધે જમીન વધારે ફળદ્રુપ થશે. આ સર્વ આશીર્વાદો બાકી રહેલા લોકોને આપવામાં આવશે. 13 હે યહૂદિયા અને ઇસ્રાએલના વંશજો અત્યાર સુધી વિદેશી પ્રજાઓ શાપ દેવા માટે તમારા નામનો ઉપયોગ કરતી હતી, પણ હવે હું તમને ઉગારી લઇશ, અને તમારા નામ આશીર્વાદ આપવામાં વપરાશે. ડરશો નહિ. હિંમત રાખો.” 14 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમારા પિતૃઓએ મને ગુસ્સે કર્યો એ માટે તેઓ પર મેં દયા દર્શાવી નહિ, તેથી મેં તેઓને નુકસાન પહોંચાડવાની યોજના ઘડી હતી. 15 પણ હવે અત્યારે યરૂશાલેમનું અને યહૂદિયાના વંશજોનું ફરી ભલું કરવાનું ધાર્યુ છે; માટે ડરશો નહિ, 16 તમારે આટલું કરવાનું છે; એકબીજા સાથે સાચું બોલો, અને અદાલતમાં ખરો ન્યાય કરો અને શાંતિ જાળવો. 17 બીજાઓને નુકસાન કરવાની યોજનાઓ કરશો નહિ; અને કદી કોઇ જૂઠા સમ ખાવા નહિ; કારણ હું આ સર્વ કૃત્યોને ધિક્કારું છું,” એવું યહોવા કહે છે. 18 મને સૈન્યોનો દેવ યહોવાની વાણી આ મુજબ સંભળાઇ; 19 “ચોથા, પાંચમા, સાતમા અને દશમા મહિનામાં તમે શોક પાળો છો પણ તમે યહૂદિયાના વંશજોએ સત્ય અને શાંતિ પર પ્રેમ રાખવો જોઇએ; તો આ બધા સુખ અને આનંદોના પવોર્ બની જશે.” 20 સૈન્યોનો દેવ યહોવા એમ કહે છે કે, “અન્ય લોકો અને મહાનગરોના વતનીઓ પણ યરૂશાલેમ આવશે. 21 એક નગરના લોકો જઇને બીજા નગરના લોકોને કહેશે કે, ‘ચાલો આપણે જઇને યહોવાને પ્રાથીર્એ અને સૈન્યોનો દેવ યહોવાનું શરણું સ્વીકારીએ, અમે તો આ ચાલ્યા!’” 22 હા, ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો સૈન્યોનો દેવ યહોવાની શોધ કરવા યરૂશાલેમમાં આવશે અને તેમની કૃપા અને મદદ માટે વિનંતી કરશે. 23 સૈન્યોનો દેવ યહોવા એમ કહે છે, “તે સમયે જુદા જુદા રાષ્ટ્રોના દશ માણસો એક જ યહૂદીનો ઝભ્ભો પકડશે અને કહેશે, અમને તમારી સાથે આવવા દો, કારણ, ‘અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે!’” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International