ઝખાર્યા 7 - પવિત્ર બાઈબલયહોવાની દયા અને કરૂણા 1 રાજા દાર્યાવેશના અમલના ચોથા વર્ષના એટલે કે કિસ્લેવ મહિનાની ચોથી તારીખે ઝખાર્યાને યહોવાની વાણી સંભળાઇ. 2 હવે બેથેલ નગરના યહૂદી લોકોએ રાજાના મુખ્ય વહીવટી અધિકારી શારએસેર અને રેગમ-મેલેખની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ યરૂશાલેમમાં મોકલ્યું કે તેઓ યહોવાની કૃપા માટે વિનંતી કરે. 3 અને તેમના મંદિરના યાજકોને અને પ્રબોધકોને એવું પુછવા માટે મોકલ્યા હતા કે, “અમે ઘણા વર્ષથી કરતા આવ્યા છીએ તે પ્રમાણે પાંચમાં મહિને મંદિરના થયેલા વિનાશ માટે શોક પાળવો અને ઉપવાસ કરવો?” 4 ત્યારે સૈન્યોનો દેવ યહોવાનું વચન મારી પાસે આવ્યું; 5 “જ્યારે તમે બેથેલ પાછા ફરશો ત્યારે તમારા સર્વ લોકોને અને તમારા યાજકોને કહો, બંદીવાસનાં સિત્તેર વર્ષ દરમ્યાન તમે ઓગષ્ટ અને ઓકટોબર મહિનામાં ઉપવાસ કરતા હતા. અને શોક પાળતા હતા ત્યારે શું તમે તમારા પાપોનો ત્યાગ કરીને મારી તરફ પાછા ફરવામાં પ્રામાણિક હતા? ના, તમે તેમ કર્યું નહોતું. 6 અને જ્યારે તમે ખાઓ છો અને પીઓ છો ત્યારે તમે તમારે પોતાને માટે જ ખાતાપીતા નથી? 7 જ્યારે યરૂશાલેમ અને તેની આસપાસના નગરો વસેલાં અને શાંતિમાં હતા અને દક્ષિણમાં નીચાણના પ્રદેશ વસ્તીવાળા હતા. ત્યારે પહેલાના પ્રબોધકો મારફતે યહોવાએ આ જ ઘોષણા નહોતી કરી?” 8 યહોવાની વાણી ઝખાર્યાને આ મુજબ સંભળાઇ: 9 “સૈન્યોનો દેવ યહોવા કહે છે: ‘સાચો ન્યાય આપો, એકબીજા પ્રત્યે દયા અને કરૂણા દર્શાવો. 10 તેઓને જણાવો કે વિધવાઓ, અનાથો, વિદેશીઓ અને ગરીબ લોકો પર જુલમ કરવાનું બંધ કરે. અને તમારામાંનો કોઇ મનમાં પણ પોતાના ભાઇનું ખોટૂ ન વિચારે.’” 11 તમારા પિતૃઓએ તેમને સાંભળવાનો ઇન્કાર કર્યો, તેઓ હઠીલા થઇને દૂર ગયા અને મારું વચન ન સાંભળવા માટે તેઓએ તેઓની આંગળીઓ પોતાના કાનમાં ખોસી. 12 સૈન્યોનો દેવે પવિત્ર આત્મા દ્વારા અગાઉના પ્રબોધકોને પ્રેરણા કરી કે તેઓ દેવનાં વચનો અને નિયમશાસ્ત્ર લોકોની આગળ પ્રગટ કરે, પણ તે લોકોએ પોતાના હૃદય વજ્ર જેવા કઠોર બનાવી દીધાં, જેથી પહેલાના પ્રબોધકો મારફતે નિયમો અને સંદેશા સાંભળવા ન પડે. તેથી એમના પર સૈન્યોનો દેવ યહોવાનો ભયંકર કોપ ઉતર્યો. 13 સૈન્યોનો દેવ યહોવા કહે છે; “મેં તેઓને જ્યારે બોલાવ્યા, ત્યારે તેમણે નહોતું સાંભળ્યું; તેમ તેઓએ જ્યારે મને બોલાવ્યો ત્યારે મેં પણ ન સાંભળ્યું. 14 અને મેં તેમને વંટોળિયાની જેમ અજ્ઞાત પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યાં. તેમના પાપે તેઓ જે ભૂમિ છોડીને ગયા હતા તે ઉજ્જડ થઇ ગઇ, ત્યાં કોઇની અવરજવર ન રહી. એ રમણીય પ્રદેશ વેરાન થઇ ગયો.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International