ઝખાર્યા 6 - પવિત્ર બાઈબલચાર રથોનું દર્શન 1 પછી મેં ફરીથી નજર ઊંચે કરીને જોયું, તો ચાર રથોને બે પર્વતો વચ્ચેથી બહાર આવતા જોયા. એ પર્વતો કાંસાના હતા. 2 પહેલા રથના ઘોડા રાતા હતા, બીજાના કાળા હતા, 3 ત્રીજાના સફેદ હતા અને ચોથાના ટપકાં ટપકાંવાળા હતા. 4 પછી મેં મારી સાથે વાત કરનાર દેવદૂતને પૂછયું, “અને આ શું છે મુરબ્બી?” 5 તે દેવદૂતે મને જવાબ આપ્યો, “આ ચાર રથો સમગ્ર પૃથ્વીના યહોવા સમક્ષ ઊભા રહે છે. આ ચારે સ્વર્ગના દિવ્ય વાયુઓ છે. 6 કાળા ઘોડાથી ખેંચેલો રથ ઉત્તર તરફ જશે, સફેદ ઘોડાથી ખેંચેલો રથ તેમની પાછળ જશે. અને ટપકાંવાળા ઘોડાથી ખેંચેલો રથ દક્ષિણમાં જશે.” 7 પૃથ્વી પર સર્વત્ર ફરવા માટે લાલ ઘોડા અધીરા થઇ રહ્યાં હતા, તેથી યહોવાએ કહ્યું, “જાઓ, પૃથ્વીમાં સર્વત્ર ફરો.” આથી તેઓ એકદમ ત્યાં જવાને નીકળ્યાં. 8 અને યહોવાએ મને બોલાવ્યો અને કહ્યું, “જેઓ ઉત્તરમાં ગયા છે તેઓએ ત્યાં મારા ન્યાય ચુકાદાનો અમલ કર્યો છે, અને મારા ગુસ્સાને શાંત પાડ્યો છે.” યાજક યહોશુઆને મુગટ મળે છે 9 મેં યહોવાનો સંદેશો સાંભળ્યો જે નીચે પ્રમાણે છે; 10 “બાબિલથી હેલ્દાય, ટોબિયા અને યદાયામાં યહૂદી બંદીવાનોએ આણેલી ભેટસોગાદો લઇ તે જ દિવસે તું સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા. 11 અને તેણે આપેલાં ચાંદી અને સોનું લઇ એક મુગટ ઘડાવી તે મુખ્યયાજક યહોસાદાકના પુત્ર યહોશુઆના માથે મૂકજે. 12 અને તેને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે. ‘આ રહ્યો એ માણસ જેનું નામ “શાખા” છે. અને એ જ્યાં છે ત્યાં ફૂલશેફાલશે અને યહોવાનું મંદિર ફરી બંધાવશે. 13 એ જ યહોવાનું મંદિર ફરી બંધાવશે, કીર્તિ પામશે, પોતાના રાજ્યાસન પર બેસશે અને રાજવી અધિકારથી અમલ ચલાવશે. તેના રાજસિંહાસનની બાજુમાં તેને મદદગાર તરીકે અને શાંતિથી સાથે કામ કરવા યાજક ઊભા રહેશે.’ 14 પછી એ મુગટ હેલ્દાય, ટોબિયા, યદાયા અને સફાન્યાના પુત્ર હેનની યાદગીરી તરીકે યહોવાના મંદિરમાં રહેશે.” 15 દૂરદૂરથી માણસો આવીને યહોવાનું મંદિર બાંધવામાં મદદ કરશે, અને ત્યારે તમને ખાતરી થશે કે સૈન્યોનો દેવ યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કરશો તો આ બધું સાચું પડશે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International