ઝખાર્યા 5 - પવિત્ર બાઈબલઊડતું ઓળિયું 1 ફરી મેં ઊંચે જોયું તો હવામાં ઊડતું એક ઓળિયું મારી નજરે પડ્યું. 2 દેવના દૂતે મને પૂછયું, “તને શું દેખાય છે?” મેં કહ્યું, “એક ઊડતું ઓળિયું, એ વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે.” 3 ત્યારે તેણે મને કહ્યું, “આ ઓળિયું સમગ્ર દેશ પર આવનાર દેવના શાપના શબ્દોનું પ્રતિક છે. એમાં લખ્યા મુજબ ચોરી કરનાર અને ખોટા સમ ખાનાર એકેએક જણને હવે હાંકી કાઢવામાં આવશે.” 4 સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે, “હું આ શાપ દરેક ચોરના ઘરમાં અને જેણે મારા નામે ખોટું વચન આપ્યું છે તે દરેકના ઉપર મોકલું છું. મારો શાપ તેના ઘર પર રહેશે અને તેનો સંપૂર્ણપણે નાશ કરશે.” સ્ત્રી અને ટોપલો 5 પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું, “હવે તારી આંખો ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે, તે જો.” 6 મેં પૂછયું, “એ શું છે?” એટલે તેણે કહ્યું, “વસ્તુ જે બહાર આવે છે તે ટોપલી છે.” અને તેણે કહ્યું, “આ દેશના લોકોના પાપોને માપવાનો ટોપલો છે.” 7 અને અચાનક ટોપલાં પરનું ભારે ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રીને મેં જોઇ! 8 અને પેલાં દેવદૂતે કહ્યું, “તે સ્ત્રી દુષ્ટતાનું પ્રતીક છે.” પછી તેણે તે સ્ત્રીને પાછી ટોપલામાં મૂકી દીધી અને સીસાનું ભારે ઢાંકણ બંદ કરી દીધું. 9 પછી મેં ઉપર નજર કરી અને બે સ્ત્રીઓને આગળ આવતી જોઇ તેમને બગલાના જેવી પાંખો હતી. તેઓની પાંખોથી તેઓ હવામાં ઊડી. જમીન અને આકાશની વચ્ચે તેઓએ મોટો ટોપલો ઉંચકયો હતો. 10 પછી મેં મારી સાથે વાત કરનાર દેવદૂતને પૂછયું, “એ લોકો ટોપલો ક્યાં લઇ જાય છે?” 11 તેણે જવાબ આપ્યો, “તેઓ તેને બેબિલોન લઇ જશે અને તેની આરાધના કરવાને મંદિર બાંધશે, અને જ્યારે તે તૈયાર થશે ત્યારે એ લોકો ટોપલાને એને સ્થાને ગોઠવી દેશે.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International