ઝખાર્યા 4 - પવિત્ર બાઈબલદીપવૃક્ષનું સંદર્શન 1 પછી મારી સાથે જે વાત કરતો હતો તે દેવદૂતે મને જગાડ્યો, કારણ, હું ઊંઘતો હોઉં તેવી સ્થિતિમાં હતો. 2 પછી તેણે પૂછયું, “હવે તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું એક સોનાનો દીપવૃક્ષ જોઉં છું. તેની ટોચ પર એક કૂંડું છે અને સાત દીવા છે. અને સાત નળીઓ દ્વારા દીવીઓ સુધી તેલ પહોંચાડીને તેમને સળગતા રાખવામાં આવે છે. 3 દીપવૃક્ષ પાસે બે જૈતૂનના વૃક્ષો છે, એક કૂંડાની જમણી બાજુએ અને એક ડાબી બાજુએ.” 4 મારી સાથે વાત કરનાર દેવદૂતને મેં પૂછયું, “હે મારા યહોવા, તેનો અર્થ શું થાય છે?” 5 ત્યારે તેણે કહ્યું, “એ શું છે તે તું સાચે જ નથી જાણતો?” મેં જવાબ આપ્યો, “ના, હું નથી જાણતો.” 6 પછી તેણે મને કહ્યું, “યહોવાનો આ સંદેશ ઝરુબ્બાબેલ માટે છે, ‘બળથી કે શકિતથી નહિ પણ મારા તરફથી મળતા આત્માને કારણે તું વિજયવંત થશે.’ 7 યહોવા કહે છે, ઓ ઊંચા પર્વત, તારી શકિત શું છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ મેદાન જેવો થઇ જશે, અને તે ‘કેવું સુંદર, કેવું સુંદર.’ ના પોકારો વચ્ચે મંદિરનું બાંધકામ પૂરું કરશે.” 8 વળી યહોવા તરફથી મને બીજો સંદેશો મળ્યો; 9 “ઝરુબ્બાબેલને હાથે આ મંદિરનો પાયો નંખાયો છે અને તેને હાથે જ તે પૂર્ણ થશે. ત્યારે લોકોને ખાતરી થશે કે મેં સૈન્યોનો દેવ યહોવાએ તને તેમની પાસે મોકલ્યા છે. 10 આરંભમાં થોડું થોડું કામ થતું જોઇને જેઓ એનો તિરસ્કાર કરતા હતા તેઓ ઝરુબ્બાબેલને હાથે તેની પૂર્ણાહુતિ થતી જોઇને ખૂબ હરખાશે, આ સાત દીવા પ્રતીકરૂપે દર્શાવે છે કે, યહોવાની આંખો સમગ્ર પૃથ્વી પર સર્વત્ર સઘળું નિહાળે છે.” 11 પછી મેં તેને પૂછયું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે બે જૈતવૃક્ષો છે, તે શું છે?” 12 વળી ફરી મેં તેને પૂછયું, “સોનાની બે નળીઓ વડે સોનાના કટોરામાં તેલ લઇ જતી જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ શું છે?” 13 તેણે મને પૂછયું, “એ શું છે તે શું તું નથી જાણતો?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.” 14 પછી તેણે મને કહ્યું, “તેઓ તો દેવે અભિષેક કરેલા બે માણસો છે. તેઓ સમગ્ર પૃથ્વીના દેવ યહોવાની સેવા કરે છે.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International