ઝખાર્યા 2 - પવિત્ર બાઈબલયરૂશાલેમની માપણી 1 મેં ઊંચે નજર કરીને જોયું, તો હાથમાં માપવાની દોરી લઇને એક માણસ ઊભો હતો. 2 મેં તેને પૂછયું, “તું ક્યાં જાય છે?” ત્યારે તેણે મને કહ્યું, “યરૂશાલેમને માપવા; તેની પહોળાઇ કેટલી છે અને તેની લંબાઇ કેટલી છે, તે જાણવા સાંરુ.” 3 પછી મારી સાથે જે દેવદૂત વાતો કરતો હતો તેણે મને છોડી દીધો અને બીજો દેવદૂત તેને મળવા ગયો. 4 બીજા દૂતે કહ્યું, “દોડતો જઇને પેલા જુવાનને કહે કે, ‘યરૂશાલેમમાં માણસો અને ઢોરોની એટલી વસ્તી હશે કે તેની ફરતે કોટ નહિ બાંધી શકાય.’ 5 કારણ, યહોવા કહે છે કે, ‘હું પોતે જ તેની ફરતે અગ્નિનો કોટ બનીને રહીશ અને હું મહિમાપૂર્વક તેમાં વાસ કરીશ.’” દેવ પોતાના લોકોને ઘેર બોલાવે છે 6 યહોવા કહે છે; “જાઓ, ઉત્તરના પ્રદેશમાંથી નાસી છૂટો. આકાશના ચાર વાયુની દિશાઓમાં મેં તમને ફેલાવી દીધા છે. 7 બાબિલમાં વસનારા સિયોનના લોકો નાસી જાઓ.” 8 સૈન્યોનો દેવ યહોવાએ મને સન્માન લાવવા માટે મોકલ્યો છે અને તમને લૂંટનારી પ્રજાઓ પાસે મોકલ્યા છે, કારણ, જે તમને અડે છે તે તેની આંખની કીકીને અડે છે. 9 જુઓ, યહોવા કહે છે, “હું તેઓ પર મારો હાથ ફરકાવીશ અને તેઓ તેમના સેવકોને હાથે લૂંટાશે, અને ત્યારે તમે જાણશો કે સૈન્યોનો દેવ યહોવાએ મને મોકલ્યો છે.” 10 યહોવા કહે છે, “સિયોનના વતનીઓ, ગીતો ગાઓ અને આનંદ કરો, કારણ, જુઓ, હું આવું છું અને તમારી વચ્ચે વસનાર છું. 11 તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે સંબંધ બાંધશે, અને તેઓ એની પ્રજા થશે અને યહોવા તેમની વચ્ચે વસશે,” અને ત્યારે તમને જાણ થશે કે યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. 12 અને ત્યારે પવિત્ર ભૂમિમાં યહૂદિયા યહોવાનો વિશિષ્ટ ભાગ બનશે. અને યહોવા ફરીથી યરૂશાલેમને પસંદ કરશે. 13 યહોવા સમક્ષ સર્વ શાંત થઇ જાઓ, કારણ, તે પોતાના પવિત્ર ધામમાંથી આવી રહ્યાં છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International