ઝખાર્યા 11 - પવિત્ર બાઈબલજુલ્મી લોકોનો વિનાશ 1 હે લબાનોન તારા દરવાજા ઉઘાડી નાખ, જેથી આગ ત્યાં દેવદારોને સ્વાહા કરી જાય! 2 હે સરૂના વૃક્ષ, વિલાપ કરો, કારણ, દેવદારવૃક્ષ પડી ગયું છે અને મજબૂત વૃક્ષો ઊંચકીને લઇ જવામાં આવશે. બાશાનનાઁ ઓકવૃક્ષો વિલાપ કરો, કારણ, ગાઢ જંગલ ખાલી થઇ ગયું છે! 3 ઇસ્રાએલના ઘેટાંપાળકોની પોકનો અવાજ સાંભળો, કારણ તેમનો વૈભવ નષ્ટ થયો છે; સિંહના બચ્ચાંની ગર્જનાનો અવાજ સાંભળો કારણ, યર્દનની ખીણમાંથી જંગલ જેવી ગીચ જાડી નષ્ટ થઇ છે. 4 પછી યહોવા મારા દેવે મને કહ્યું, “જા, અને કસાઇને ત્યાં વધ કરવા માટે લઇ જવા ખવડાવીને પુષ્ટ કરેલા ઘેટાંનો તું હવે પાળક બન. 5 તેઓના નેતાઓ ઘેટાંને ખરીદનારા વેપારી જેવા છે, તેમના વધ કરે છે અને છતાં તેમને દોષિત હોવાની લાગણી થતી નથી, અને તેને વેચનારા કહે છે કે, ‘યહોવાનો આભાર હું ધનવાન બન્યો,’ તેમના પોતાના ભરવાડો પણ તેમના પર દયા બતાવતા નથી.” 6 યહોવા કહે છે, “હું પણ તેઓને દયા દાખવીશ નહિ, હું તેઓને તેઓના પોતાના દુષ્ટ આગેવાનોના ફંદામાં પડવા દઇશ, અને મરવા દઇશ. તેઓ તેમની જમીનને અરણ્યમાં ફેરવી નાખશે અને હું તે જમીનનું તેઓથી રક્ષણ કરીશ નહિ.” 7 ઘેટાંના વેપારીઓએ મને મજૂરીએ રાખ્યો. વધ થનારા ઘેટાઁઓના ટોળાને હું ચરાવવા લાગ્યો. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં “કૃપા” પાડ્યું અને બીજીનું નામ “એકતા” પાડ્યું, અને ઘેટાંઓના ટોળાને ચરાવવાનું શરૂ કર્યું. 8 એક મહિનામાં તો મેં ત્રણ ભરવાડોને રજા આપી, કારણ, મારી ધીરજ ખૂટી ગઇ હતી અને તેઓ પણ મને ધિક્કારતા હતા. 9 તેથી મેં તેઓને કહ્યું, “હવેથી હું તમારો પાળક રહીશ નહિ, જે મરવાના છે તે ભલે મરતાં, જે નાશ પામવાના છે તે ભલે નાશ પામતાં, જે બાકી રહે તે ભલે એકબીજાને ખાઇ જતાં.” 10 પછી મેં મારી “કૃપા” નામની લાકડી લઇને તેના બે ટુકડા કર્યા. અને બધી પ્રજાઓ સાથે જે કરાર કર્યો હતો તે તોડી નાખ્યો. 11 આમ, તે દિવસે તે કરારને રદ કરવામાં આવ્યો અને ઘેટાંના જે વેપારીઓ મારા પર નજર રાખી રહ્યાં હતા તેઓ સમજી ગયા કે એ યહોવાનો સંદેશો હતો. 12 પછી મેં તેઓના આગેવાનોને કહ્યું, “જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો. નહિ તો રહેવા દો.” અને તેમણે મને મજૂરી લેખે ચાંદીની ત્રીસ મહોર આપી. 13 પછી મને યહોવાએ કહ્યું, “તેથી આ રીતે તેઓએ તારું મોટું મૂલ્ય આંક્યું છે. તે નાણાંની મોટી રકમ તું મંદિરના ખજાનામાં નાખી દે.” તેથી મેં તે ત્રીસ સિક્કા લઇને યહોવાના મંદિરનાં ખજાનામાં નાખી દીધાં. 14 પછી મેં મારી બીજી લાકડી “એકતા” ને ભાંગી નાખી, એમ સૂચવવા કે યહૂદિયા અને ઇસ્રાએલ વચ્ચે એકતા તૂટી ગઇ છે. 15 પછી યહોવાએ મને કહ્યું, “તું ફરીથી પાળકની જવાબદારી લઇ લે, આ વખતે મારે નકામા અને દુષ્ટ પાળક તરીકે ભાગ ભજવવાનો હતો.” 16 યહોવાએ મને કહ્યું, “આ વખતે હું આ ઢોરના ટોળાઓને એવો પાળક આપીશ કે જે ખોવાયેલાઓને શોધશે નહિ, ઘેટાંઓની સંભાળ રાખશે નહિ, માંદા થયેલાઓને સાજા કરશે નહિ, કે પુષ્ટોને ખાવાનું આપશે નહિ, પરંતુ ચરબી યુકતોને તે પૂરેપૂરા ખાઇ જશે.” 17 એ ઘેટાંને છોડી જનાર નકામા પાળકને ચિંતા! દેવની તરવાર તેની જમણી આંખ અને તેના હાથ પર ઘા કરો! તેનો હાથ સૂકાઇ જાઓ અને તેની જમણી આંખ આંધળી થઇ જાઓ. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International