ગીતોનું ગીત 3 - પવિત્ર બાઈબલકન્યા: 1 મેં રાત્રે મારા પ્રાણપ્રિયને મારા પલંગમાં શોધ્યો, પણ તે મને મળ્યો નહિ. 2 હું શહેરની ગલી ગલી અને રસ્તા ફરી વળી; છતાંય મારી સઘળી શોધખોળ નિષ્ફળ નીવડી. 3 નગરમાં રોન ફરતાં ચોકીદારોનો મને ભેટો થયો; મેં તેઓને પૂછયું, “મારા પ્રાણપ્રિયને તમે જોયો?” 4 થોડા સમય પછી મને મળ્યો મારો પ્રાણપ્રિય, પકડી લીધો મેં તેને, તે લાવી નિવાસસ્થાને; ને ખેંચી ગઇ મુજ જનેતાના ઘરમાં; ત્યાં સુધી નહિ છોડ્યાં મેં મારા પ્રીતમને. કન્યાના વચન સ્ત્રીને: 5 હે યરૂશાલેમની યુવતીઓ, હું તમને હરણીઓના તથા મૃગલીઓના સમ દઇને વીનવું છું કે યર્થાથ સમય આવ્યા પહેલાં મારા પ્રીતમને જગાડશો નહિ. યરૂશાલેમની યુવાન કન્યાઓ: 6 રણ તરફથી આવતો, આ જે મધુર સુગંધી ધૂપ બાળીને બનાવેલાં ધુમાડાંના સ્તંભ જેવો લાગે છે તે કોણ છે? 7 જુઓ, આ તો સુલેમાનની પાલખી છે; તેની સાથે છે ઇસ્રાએલી સૈન્યના સાઠ યોદ્ધાઓ 8 તેઓ કુશળ તરવારબાજ અને અનુભવી અંગરક્ષકો છે, રાત્રીના ભયને કારણે દરેકની કમરે તરવાર લટકે છે. 9 લબાનોનના કાષ્ટમાંથી બનાવ્યો છે રથ, સુલેમાન રાજાએ પોતાના ઉપયોગાર્થે. 10 તેણે તેના સ્તંભ ચાંદીના અને છત સોનાની, અને તેનું આસન બનાવ્યું જાંબુડા રંગનું; યરૂશાલેમની દીકરીઓ દ્વારા અંદરથી તે પ્રેમપૂર્વક શણગારાયેલી હતી. 11 “ઓ સિયોનની યુવતીઓ, જાઓ અને જુઓ સુલેમાન રાજાને, એના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટસહિત નિહાળો તેને.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International