Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રૂથ 1 - પવિત્ર બાઈબલ


યહૂદિયામાં દુકાળ

1 ન્યાયાધીશોના સમયમાં ઘણા વરસો પહેલા બેથલેહેમ-યહૂદિયામાં દુકાળ પડયો તેથી યહૂદિયામાં આવેલા બેથલેહેમનો એક માંણસ પોતાની પત્ની અને બે પુત્રોને લઈને મોઆબ દેશમાં રહેવા ચાલ્યો ગયો.

2 તે વ્યકિતનું નામ અલીમેલેખ હતું. એની પત્નીનું નામ નાઓમી હતું, અને એના પુત્રોનાં નામ માંહલોન અને કિલ્યોન હતાં. તેઓ યહૂદિયામાં આવેલા બેથલેહેમમાંથી મોઆબ દેશમાં આવીને તેઓ ત્યાં રહેવા લાગ્યાં.

3 તેઓનાં ત્યાંના વસવાટ દરમ્યાન નાઓમીનો પતિ અલીમેલેખ મૃત્યુ પામ્યો એટલે તે અને તેના બે પુત્રો રહ્યાં.

4 આ બંને યુવાનો મોઆબી કન્યાઓ ઓર્પાહ અને રૂથ સાથે પરણ્યા. તેઓ આશરે દસ વરસ ત્યાં રહ્યાં.

5 પછી માંહલોન અને કિલ્યોન બંને મૃત્યુ પામ્યા; એટલે નાઓમીને તેના બે પુત્રો અને પતિનો વિયોગ થયો.


નાઓમી ઘરે પાછી ફરે છે

6 નાઓમીએ પોતાની બે પુત્રવધૂઓને લઇને પોતાની માંતૃ ભૂમિમાં ઘેર આવવાનો નિર્ણય કર્યો; કેમકે તેણે સાંભળ્યું હતું કે યહોવા પોતાની પ્રજાને અન્ન આપીને મદદ કરી રહ્યો છે.

7 નાઓમી જયાં રહેતી હતી તે જગા છોડી ત્યાંથી બંને પુત્રવધૂઓ સાથે વતનમાં પાછી જવા ચાલી નીકળી.

8 રસ્તામાં તેણે પોતાની પુત્રવધૂઓને કહ્યું કે “તેઓ તેમના વતન મોઆબ પાછા ફરે, તેણે તેમ કહ્યું, તમે ઘરે પાછી જાઓ. તમે માંરી તથા માંરા મૃત પુત્રો પર ખૂબ દયા રાખી છે. યહોવા પણ તમાંરા પર એવી જ દયા રાખો.

9 હું પ્રાર્થના કરું છું કે યહોવા તમને વર મેળવવા અને તેની સાથે સુખી જીવન ગાળવા માંટે મદદ કરે.” પછી તેણીએ પુત્રવધુઓને ચુંબન કર્યું, અને તેઓ રડવા લાગી.

10 અને બોલી, “પણ અમને તો તમાંરી સાથે તમાંરા લોકોમાં અને દેશમાં આવવું છે.”

11 પણ નાઓમીએ કહ્યું, “માંરી પુત્રીઓ પાછી જાઓ. તમે શું કામ માંરી સાથે આવવા માંગો છો? હવે મને વધુ પુત્રો કયાં થવાના છે, જે મોટા થઈને તમને પરણે?

12 જાઓ, માંરી પુત્રીઓ પાછા જાઓ, હવે હું વૃદ્ધ થઈ છું અને ફરીથી પરણું તો પણ કોઇ પુત્રોને જન્મ દઇ શકુ તેમ નથી. હું આજે પરણુ અને આજ રાત્રે ગર્ભવતી બનું અને પુત્રને જન્મ આપુ તો પણ હું તમાંરે માંટે કોઇ કામની નથી.

13 તો પણ તે મોટો થાય ત્યાં સુધી શું તમે રાહ જોશો? ત્યાં સુધી પરણવાનું રોકી રાખી એકલા રહેશો? ના, ના, માંરી દીકરીઓ એવું ન થાય. યહોવાએ મને એવી શિક્ષા કરી છે, માંરે લીધે તમાંરી આ દશા થઈ છે તે જોઈને માંરું મન દુ:ખી થઈ ગયું છે.”

14 આ બધું સાંભળીને તેઓ બંને ફરીથી મોટા સાદે રડવા લાગી. પછી ઓર્પાહે નાઓમીને ચુંબન કર્યું. અને પોતાને પિયર ચાલી ગઈ, પણ રૂથ ગઇ નહિ તેણે નાઓમીની સાથે જ રહેવાનો આગ્રહ રાખ્યો.

15 એટલે નાઓમીએ તેને કહ્યું, “જો, તારી દેરાણી તેના લોકો અને તેના દેવ પાસે પાછી ગઈ છે. તો તારે પણ તેની સાથે જવું જોઇએ.”

16 પરંતુ રૂથે જવાબ આપ્યો, “મને તમાંરાથી વિખૂટી પાડવાનો આગ્રહ કરશો નહિ. તમે જયાં જશો ત્યાં હું જઈશ. અને તમે રહેશો ત્યાંજ હું રહીશ. તમાંરા લોકો એ માંરા લોકો અને તમાંરા દેવ એ માંરા દેવ થશે.

17 તમે જયાં મરણ પામશો ત્યાં જ હું પણ મરીશ ને ત્યાં જ દટાઈશ. મૃત્યુ સિવાય બીજા કશાથી જો હું તમાંરાથી વિખૂટી પડું તો યહોવા મને એથી પણ વધારે દુ:ખ દે.”


ઘરે આવવુ

18 નાઓમીને થયું કે, રૂથે એની સાથે આવવાનો દૃઢ નિશ્ચય કર્યો છે એટલે તેને કોઈ રીતે સમજાવાય તેમ નથી, એમ માંનીને બોલવાનું બંધ કર્યું.

19 તે બંને બેથલેહેમ સુધી મુસાફરી કરીને ગઇ. તેઓ તેમને ગામ પહોચ્યા પછી લોકો તેમને જોઇને ખુશી થયા અને પૂછયું કે, “શું ખરેખર તેણી નાઓમી છે?”

20 નાઓમીએ કહ્યું, “મને નાઓમી એટલે મીઠી ન કહેશો, મને એટલે કડવી માંરા કહો કારણ, સર્વસમર્થ દેવે માંરા પર મહાસંકટ આણ્યું છે.

21 હું અહીંથી ભરીભાદરી ગઈ હતી, યહોવાએ મને પાછી ખાલી મોકલી છે. યહોવાએ માંરી અવદશા કરી છે, તો શા માંટે મને નાઓમી કહો છો?”

22 આમ નાઓમી તેની પુત્રવધૂ રૂથ સાથે મોઆબથી બેથલેહેમ પાછી આવી. તેઓ પહોંચ્યા ત્યારે જવની કાપણીની ઋતું શરૂ થઈ હતી.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan