Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 3 - પવિત્ર બાઈબલ

1 તો શું યહૂદિયો પાસે એવું કઈ વિશિષ્ટ છે કે જે અન્ય લોકો પાસે નથી? સુન્નત શું કોઈ વિશિષ્ટ લાભ આપે છે?

2 હા, યહૂદિઓને અનેક વિશિષ્ટ લાભો છે. સૌથી અગત્યની વાત એ છે કે બીજા લોકોને બદલે દેવે યહૂદિઓમાં વિશ્વાસ મૂક્યો અને તેઓને ઉપદેશ આપ્યો.

3 જો કે એ સાચું છે કે કેટલાએક યહૂદિઓ દેવને વિશ્વાસુ ન રહ્યા. પરંતુ શું એ કારણે દેવે જે વચન આપ્યા છે તે એ પૂર્ણ નહિ કરે?

4 ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ: “તારા વચનો સત્ય સાબિત થશે, અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.”

5 જ્યારે આપણે ખોટું કરીએ છીએ ત્યારે, તે સ્પષ્ટતાથી દર્શાવે છે કે દેવ સાચો છે. જો આ બાબત હોય તો પછી આપણે કહી શકીએ કે આપણને શિક્ષા કરવી તે દેવ માટે અયોગ્ય છે? (હું માણસોની રૂઢિ પ્રમાણે બોલું છું.)

6 ના! જો દેવ આપણને શિક્ષા ન કરે તો, પછી તે દુનિયાનો ન્યાય કરી શકશે નહિ.

7 કોઈ વ્યક્તિ આવી દલીલ કરી શકે? “જો હું જૂઠ્ઠુ બોલું, તો તેનાથી દેવની કીર્તિ વધશે, કેમકે મારું અસત્ય દેવના સત્યને પ્રગટ કરશે. તો પછી શા માટે મને પાપી ઠેરવો છો?”

8 કેટલાએક લોકો એવો દાવો કરે છે કે આમ કહેવું એ એમ કહેવા બરાબર છે કે, “આપણે અનિષ્ટ કરવું જોઈએ જેથી સારું થાય.” આગમન થાય તે રીતે ખોટા દાવાઓ કરીને લોકો અમારા પર આરોપ મૂકે છે, કે અમે એ રીતે ઉપદેશ આપીએ છીએ કે જે લોકો ખોટા દાવા કરે છે તે ખોટા છે ને દેવે તેમને શિક્ષા કરવી જોઈએ.


સઘળાએ પાપ કર્યુ છે

9 તો શું આપણે યહૂદિઓ બીજા લોકો કરતાં વધારે સારા છીએ? ના! અમે તો માત્ર હમણા જ આક્ષેપ કર્યો કે બધા જ લોકો યહૂદિઓ-બિનયહૂદિયો સૌ પાપની સત્તા હેઠળ છે.

10 શાસ્ત્રોમાં કહ્યું છે તેમ: “પાપ કર્યુ ના હોય એવી કોઈ વ્યક્તિ નથી, એક પણ નથી! શાસ્ત્રમાં લખ્યાં પ્રમાણે કોઈ ન્યાયી નથી.

11 એવું કોઈ નથી જે સમજે. એવું કોઈ નથી જે ખરેખર દેવ સાથે રહેવા ઈચ્છતું હોય.

12 સૌ લોકો દેવથી દૂર ભટકી ગયા છે, અને એ બધાએ પોતાની યોગ્યતા ગુમાવી છે. કોઈ પણ વ્યક્તિ સત્કર્મ આચરતી જણાતી નથી. એક પણ નહિ!”

13 “લોકોનું મોં ખુલ્લી કબરો જેવું છે; તેઓની જીભો જૂઠ્ઠું બોલી રહી છે.” “ઝેર ઓકતા સર્પોની જેમ તેઓ કડવી વાણી બોલતા ફરે છે;”

14 “તેઓનું મોં કડવાશ અને શ્રાપથી ભરેલું છે.”

15 “બીજા લોકોને ઈજા કરવા અને મારી નાખવા લોકો હંમેશા તત્પર હોય છે;

16 તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં વિનાશ નોતરે છે અને દુ:ખો ફેલાવે છે.

17 લોકોને શાંતિનો માર્ગ સૂઝતો જ નથી.”

18 “તેઓને દેવ પ્રત્યે આદર કે ડર નથી.”

19 જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે.

20 શા માટે? કારણ કે નિયમશાસ્ત્ર જે ઈચ્છે છે તેના પાલન વડે કોઈ પણ વ્યક્તિ દેવ આગળ ન્યાયી ઠરી શકે નહિ કારણ નિયમશાસ્ત્ર આપણને માત્ર આપણા પાપોથી સભાન કરે છે.


કઈ રીતે દેવ લોકોને ઉદ્ધાર યોગ્ય બનાવે છે

21 નિયમશાસ્ત્ર વિના લોકોને સાચા બનાવવા માટે હવે દેવ પાસે એક નવો માર્ગ છે. અને એ નવો માર્ગ દેવે આપણને બતાવ્યો છે. જૂના કરારે અને પ્રબોધકોએ આપણને આ નવા માર્ગ વિષે અગાઉ કહેલું જ છે.

22 ઈસુ ખ્રિસ્તમાં જે લોકો વિશ્વાસ રાખશે તેમના ઉદ્ધાર માટે દેવ તેમને ન્યાયી બનાવશે. જે લોકો ખ્રિસ્તમાં વિશ્વાસુ છે, એવા સૌ લોકોનો ઉદ્ધાર દેવ કરશે.

23 સઘળાએ પાપ કર્યુ છે તેથી દેવના મહિમા વિષે સઘળા અધૂરા છે.

24 દેવની કૃપાથી લોકોને દેવ સાથે ન્યાયી બનાવાય છે. અને તે વિનામૂલ્ય ભેટ છે. ઈસુ ખ્રિસ્ત જે આપણને પાપમાંથી મુક્ત કરે છે તેના દ્વારા આ પરિપૂર્ણ થાય છે.

25 દેવે ઈસુને એવા માર્ગ તરીકે આપ્યો જેનાથી વિશ્વાસ દ્વારા લોકોના પાપોને માફી મળી છે. દેવ ઈસુના રક્ત દ્વારા માફ કરે છે. આના દ્વારા દેવે દર્શાવ્યું કે તે ન્યાયી હતો. જ્યારે ભૂતકાળમાં થયેલા લોકોનાં પાપોને તેની સહનશીલતાને લીધે તેણે દરગુજર કર્યા.

26 અને હવે આપણી વચ્ચે ઈસુને મોકલીને દેવ એ બતાવવા માગે છે કે દેવ જે કરે છે તે સત્ય છે. દેવે આમ કર્યુ જેથી તે ન્યાયોચિત ન્યાય આપતી વખતે ઈસુમાં જેને વિશ્વાસ છે તેને તે જ સમયે ન્યાયી ઠરાવશે.

27 તો પછી પોતાના માટે વડાઈ કરવાનું ક્યાં રહ્યું? તેનું સ્થાન નથી. નિયમશાસ્ત્ર જે કામની અપેક્ષા રાખે છે તેને અનુસરવાથી નહિ પણ વિશ્વાસના માર્ગે કે જેમાં વડાઈનો સમાવેશ થયેલ નથી.

28 તો એવું કેમ હશે? કારણ કે આપણે માનીએ છીએ કે નિયમ મુજબ મનુષ્યો જે કઈ કરે છે તેને લીધે નહિ, પરંતુ દેવમાં વિશ્વાસ દ્વારા જ દેવ આપણને ઉદ્ધારને યોગ્ય બનાવે છે. લોકો નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ વિશ્વાસથી ન્યાયી ઠરે છે.

29 માત્ર યહૂદિઓનો જ દેવ નથી, બિન-યહૂદિઓનો પણ તે દેવ છે.

30 દેવ માત્ર એક જ છે અને તે યહૂદિઓને તેમજ બિનયહૂદિઓને એમના વિશ્વાસના આધારે ન્યાયી ઠરાવશે.

31 તેથી આપણે વિશ્વાસના માર્ગને અનુસરવાથી, નિયમશાસ્ત્રથી દૂર રહીને કાર્ય કરતા નથી. ના! તેને બદલે અમે તો નિયમશાસ્ત્રને તેનું યોગ્ય સ્થાન આપીએ છીએ.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan