Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 9 - પવિત્ર બાઈબલ


પાંચમા દૂતે રણશિંગડું વગાડ્યું

1 તે પાંચમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી મેં આકાશમાંથી એક તારાને પૃથ્વી પર પડેલો જોયો. તે તારાને અતિ ઊંડા ખાડાની કૂંચી આપવામા આવી હતી. જે નીચે અસીમ ઊંડાઈ તરફ દોરે છે.

2 પછી તે તારાએ અસીમ ઊંડાઈ તરફ દોરતા ખાડાને ઉઘાડ્યો. તે ખાડામાંથી મોટી ભઠ્ઠીનાના ધૂમાડા જેવો ધુમાડો નીકળ્યો; ખાડામાથી નીકળતા ધુમાડાને કારણે સૂયૅ અને આકાશમાં અંધારાં થયાં.

3 પછી ધુમાડામાથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં. તેઓને વીંછુઓ જેવી ડંખ મારવાની શક્તિ આપવામાં આવી હતી.

4 તીડોને પૃથ્વી પરના ઘાસને કે કોઈ છોડને કે વૃક્ષને નુકસાન નહિ કરવાનું કહેવામાં આવ્યું હતું. ફક્ત જે લોકોની પાસે તેમના કપાળ પર દેવની મુદ્રા ન હોય એ લોકોને જ ઈજા કરવાની હતી.

5 આ તીડોને લોકોને પાંચ મહિના સુધી પીડા આપવાની શક્તિ આપવામા આવી હતી. પરંતુ તીડોને લોકોને મારી નાખવાની શક્તિ આપવામાં આવી નહોતી. અને પીડા જે લોકોએ અનુભવી તે વીંછુ વ્યક્તિને કરડે અને જે પીડા થાય તેવી હતી.

6 તે દિવસો દરમિયાન લોકો મરવાનો રસ્તો શોધશે પણ તેઓને તે જડશે નહિ, અને તેઓ મરવાની બહુ ઇચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે.

7 તે તીડો યુધ્ધ માટે તૈયાર કરેલા ઘોડાઓના જેવા હતા. તેઓના માથાં પર તેઓએ સોનાના મુગટો જેવી વસ્તુઓ પહેરી હતી. તેઓના મુખ માણસોના મુખ જેવા હતાં.

8 તેઓના કેશ સ્ત્રીઓના કેશ જેવા દેખાતા હતા. તેઓના દાંતો સિંહના દાંતો જેવા હતા.

9 તેઓની છાતીઓ લોખડનાં બખતર જેવી દેખાતી. તેઓની પાંખોનો અવાજ લડાઈમાં દોડતા ઘણા ઘોડા અને રથોના ગડગડાટ જેવો હતો.

10 તીડોને વીંછુઓના ડંખ જેવી, ડંખવાળી પૂંછડીઓ હતી, તેઓની પૂંછડીઓમાં પાંચ મહિના સુધી લોકોને પીડા આપવાની શકિત હતી.

11 તીડોને તેઓનો એક રાજા છે તે રાજા અસીમ ઊંડાણની ખાઈનો દૂત છે. હિબ્રૂ ભાષામાં તેનુ નામ અબદ્દોન છે, ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન છે.

12 પ્રથમ મહાન મુસીબત પૂરી થઈ ગઈ છે. હજુ પણ બે મહાન મુસીબતો છે જે આવનાર છે.


છઠ્ઠા દૂતે રણશિંગડું વગાડ્યું

13 તે છઠ્ઠા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી દેવની આગળની સોનાની વેદીનાં રણશિંગડાંમાંથી મેં એક વાણી સાંભળી.

14 તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, “મહાનદી યુફ્રેટિસ પર જે ચાર દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક.”

15 આ ચાર દૂતોને આ વર્ષના આ મહિનાના આ દિવસના અને આ કલાક માટે તૈયાર રાખેલા હતા. આ દૂતોને પૃથ્વી પરના ત્રીજા ભાગના લોકોને મારી નાખવા મુક્ત કરવામાં આવ્યાં.

16 મેં સાંભળ્યું હતું તેઓના લશ્કરમાં ઘોડેસવારોની કેટલીક ટુકડીઓ હતી. તેઓ 20,00,00,000 (વીસ કરોડ) હતા.

17 મેં મારા દર્શનમાં ધોડાઓને તથા તેઓ પર બેઠેલા સવારોને જોયા. તેઓ આવા દેખાતા હતા: તેઓના બખતર અગ્નિ જેવાં રાતાં તથા જાંબુડા તથા ગંધક જેવા પીળા હતાં. તે ઘોડાઓના માથાં સિહોંના માથાંઓ જેવા દેખાતાં હતાં. તે ઘોડાઓનાં મોંમાથી અગ્નિ, ધુમાડો તથા ગંધક નીકળતા હતા.

18 આ ઘોડાઓના મુખમાથી બહાર નીકળતી ત્રણ ખરાબ વસ્તુઓ અગ્નિ, ધુમાડો તથા ગંધકથી પૃથ્વી પરના બધા લોકોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યા હતા.

19 કારણ કે ઘોડાઓનું સાર્મથ્ય તેના મોંઢાંમા અને પૂંછડીઓમાં છે. લોકોને ઇજા કરવા અને કરડવા માટે તેઓને સાપના જેવી પૂંછડીઓ અને પૂંછડીઓને માંથાં હોય છે.

20 પૃથ્વી પરના બીજા લોકોને આ ખરાબ વસ્તુઓથી મારી નાખવામાં આવ્યાં નહિ. છતાં આ લોકોએ હજુ પણ પસ્તાવો કર્યો નથી. અને તેઓ પોતાના હાથની બનાવેલી કૃતિઓ તરફથી પાછા ફર્યા નહિ. તેઓએ ભૂતોની તથા સોનાચાંદી, પિત્તળ, પથ્થરની મૂર્તિઓ અને લાકડાની વસ્તુઓ જે જોવા કે સાંભળવા કે ચાલવા શક્તિમાન નથી, તેઓની પૂજા કરવાનું બંધ કર્યુ નથી.

21 આ લોકોએ પસ્તાવો કર્યો નહિ. તેઓએ બીજા લોકોને મારી નાખવાનું બંધ કર્યુ નથી. તેઓએ તેમની દુષ્ટ જાદુક્રિયા, પોતાના વ્યભિચારનાં પાપો અને પોતાની ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan