Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 22 - પવિત્ર બાઈબલ

1 પછીથી તે દૂતે મને જીવનના પાણીની નદી બતાવી. તે નદી સ્ફટિકના જેવી ચમકતી હતી. તે નદી દેવના અને હલવાનના રાજ્યાસનમાંથી વહે છે.

2 તે શહેરની શેરીની મધ્યમાંથી વહે છે. જીવનનું વૃક્ષ નદીની બન્ને બાજુ પર હતું. જીવનનું વૃક્ષ વર્ષમાં બાર વખત ફળ આપે છે. તે પ્રતિ માસ ફળ આપે છે. તે વૃક્ષનાં પાંદડાઓ બધા લોકોને સાજા કરવા માટે છે.

3 ત્યાં કોઈ પ્રકારનો શાપ થનાર નથી. દેવ જે ગુનાઓનો ન્યાય કરે છે એવું કઈ ત્યાં તે શહેરમાં હશે નહિ. દેવનું અને હલવાનનું રાજ્યાસન તે શહેરમાં હશે. દેવના સેવકો તેની આરાધના કરશે.

4 તેઓ તેનો ચહેરો જોશે દેવનું નામ તેઓના કપાળો પર લખેલું હશે.

5 ત્યાં કદાપિ રાત થશે નહિ. લોકોને દીવાના પ્રકાશની કે સૂર્યના પ્રકાશની જરૂર રહેશે નહિ. પ્રભુ દેવ તેઓને પ્રકાશ આપશે. અને તેઓ રાજાઓની જેમ સદાસર્વકાળ રાજ્ય કરશે.

6 તે દૂતે મને કહ્યું, “આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે. પ્રભુ જે પ્રબોધકોના આત્માઓનો દેવ છે. તેણે તેના દૂતને જે થોડી વારમાં થવાનું જ છે તે તેના સેવકોને બતાવવાં મોકલ્યો છે.

7 ‘ધ્યાનથી સાભંળો! હું જલદીથી આવું છું. જે વ્યક્તિ પ્રબોધના વચનોને પાળે છે તેને ધન્ય છે.’”

8 હું યોહાન છું. મેં આસાંભળ્યું ને જોયું ત્યારે જે દૂતે મને એ વાતો દેખાડી, તેને વંદન કરવા હું પગે પડ્યો.

9 પણ તે દૂતે મને કહ્યું કે, “મને વંદન કર નહિ, હું તો તારા દેવો છું અને તારો તથા જે પ્રબોધકો તારા ભાઇઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથી સેવક છું. તું દેવની આરાધના કર!”

10 પછી તે દૂતે મને કહ્યું, “આ પુસ્તકના ભવિષ્ય કથનના વચનોને ગુપ્ત રાખીશ નહિ. આ વાતો થવાનો સમય નજીક છે.

11 જે વ્યક્તિ અન્યાયી છે તેને અન્યાય કરવાનું ચલુ રાખવા દો. જે વ્યક્તિ મલિન છે તેને મલિન થવાનું ચાલુ રાખવા દો. જે વ્યક્તિ સાંચુ કામ કરે છે તે સાંચુ કામ કરવાનું ચાલુ રાખે. જે વ્યક્તિ પવિત્ર છે તે હજુ પવિત્ર થવાનું ચાલુ રાખે.”

12 “ધ્યાનથી સાંભળો! હું જલદીથી આવું છું! હું મારી સાથે બદલો લાવીશ. હું દરેક વ્યક્તિને તેઓના કરેલાં કાર્યોનો બદલો આપીશ.

13 હું આલ્ફા અને ઓમેગા છું. પ્રથમ અને છેલ્લો છું. હું આરંભ અને અંત છું.

14 “તે લોકો જેઓએ તેઓના ઝભ્ભા ધોયા છે તેઓને ધન્ય છે. તેઓને જીવનના વૃક્ષમાંથી ખોરાક ખાવા માટેનો હક્ક મળશે. તેઓ દરવાજાઓમાં થઈને નગરમાં જઈ શકશે.

15 શહેરની બહારની બાજુ કૂતરાંઓ (દુષ્ટ લોકો) છે, તે લોકો અશુદ્ધ જાદુ કરે છે, વ્યભિચારના પાપો કરે છે. બીજા લોકોનાં ખૂન કરે છે, મૂર્તિઓની પૂજા કરે છે, અને અસત્યને ચાહે છે અને જૂઠું બોલે છે.

16 “મેં, ઈસુએ મારા દૂતને આ વાતો મંડળીઓને કહેવા માટે મોકલ્યો છે. હું દાઉદના પરિવારનો વંશજ છું. હું પ્રભાતનો પ્રકાશિત તારો છું.”

17 આત્મા અને કન્યા બન્ને કહે છે કે, “આવ!” પ્રત્યેક વ્યક્તિ જે આ સાંભળે છે તેણે પણ કહેવું જોઈએ, “આવ!” જો કોઈ તરસ્યો હોય, તેને આવવા દો; જો તે ઈચ્છે તો તે વ્યક્તિ વિનામૂલ્યે જીવનનું પાણી લઈ શકે.

18 જે આ પ્રબોધનાં વચનો સાંભળે છે તે દરેક વ્યક્તિને હું ચેતવું છું. જો કોઈ વ્યક્તિ આ વચનોમાં કાંઈક ઉમેરો કરશે, તો દેવ તે વ્યક્તિને આ પુસ્તકમાં લખેલી મુસીબતો આપશે.

19 અને જો કોઈ વ્યક્તિ આ પુસ્તકના પ્રબોધનાં વચનોમાંથી કંઈ પણ કાઢી નાખશે, તો દેવ તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી, અને પવિત્ર નગરમાંથી, એટલે જેના વિષે આ પુસ્તકમાં જે લખેલું છે, તેમાંથી કાઢી નાખશે.

20 ઈસુ કહે છે કે આ વાતો સત્ય છે. હવે તે કહે છે કે, “હા, હું જલદીથી આવું છું.” આમીન! હે પ્રભુ ઈસુ, આવ!

21 પ્રભુ ઈસુની કૃપા સંતો પર હો! આમીન!

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan