Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 12 - પવિત્ર બાઈબલ


સ્ત્રી અને અજગર

1 અને પછી આકાશમાં એક મોટું આશ્ચર્ય દેખાયું ત્યાં એક સ્ત્રી હતી, જે સૂર્યથી વેષ્ટિત હતી. ચંદ્ર તેના પગ નીચે હતો. તેના માથા પર બાર તારાવાળો મુગટ હતો.

2 તે સ્ત્રી ગર્ભવતી હતી. તેણે પીડા સાથે બૂમ પાડી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી.

3 પછી આકાશમાં બીજુ એક ચિન્હ દેખાયું: ત્યા એક મોટો લાલ અજગર હતો. તે અજગરને સાત માથાં પર સાત મુગટ, દરેક માથાં પર એક મુગટ હતો. તે અજગરને દસ શિંગડા પણ હતાં.

4 તે અજગરના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને પૃથ્વી પર નીચે ફેંકયો. તે અજગર તે સ્ત્રીની સામે આવ્યો અને ઊભો રહ્યો જે બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. તે અજગરની ઈચ્છા જ્યારે તે સ્ત્રીનું બાળક જન્મે ત્યારે તેને ખાઇ જવાની હતી.

5 તે સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો, તે તમામ દેશો પર લોઢાનાં દંડથી રાજ કરશે. અને તેના બાળકને દેવ પાસે અને તે ના રાજ્યાસન પાસે લઈ જવામા આવ્યો હતો.

6 તે સ્ત્રી અરણ્યમાં એક જગ્યા જે દેવે તેના માટે તૈયાર કરી હતી, ત્યાં નાસી ગઈ. ત્યાં અરણ્ય માં 1,260 દિવસો સુધી તેની સંભાળ રાખવામાં આવશે.

7 પછી ત્યાં આકાશમાં યુદ્ધ થયું. મિખાયેલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા. તે અજગર અને તેના દૂતો તેમની સામે લડ્યા.

8 પણ તે અજગર જોઈએ તેટલો બળવાન ન હતો. તે અજગર અને દૂતોએ આકાશમાં તેઓનું સ્થાન ગુમાવ્યું.

9 તે મોટા અજગરને આકાશની બહાર ફેંકી દેવામાં આવ્યો. (તે અજગર જે જુનો સાપ છે જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે. તે આખા જગતને ખોટા માર્ગે દોરે છે.) તે અજગરને તેના દૂતો સાથે પૃથ્વી પર ફેંકવામાં આવ્યો હતો.

10 પછી મેં આકાશમાં મોટા સાદે વાણીને કહેતા સાંભળી કે, “હવે તારણ અને પરાક્રમ અને અમારા દેવનું રાજ્ય અને તેના ખ્રિસ્તની સત્તા આવ્યાં છે; આ વસ્તુઓ આવી છે કારણ કે અમારા ભાઇઓ પર દોષ મૂકનાર, જે અમારા દેવની આગળ રાત દિવસ તેઓના પર દોષ મૂકે છે. તેને નીચે ફેંકી દેવામાં આવ્યો છે.

11 અમારા ભાઈઓએ તેને હલવાનના રક્તથી અને સાક્ષીઓના વચનથી હરાવ્યો છે. તેઓ પોતાના જીવનને વધારે વહાલું ગણતા નહિ. તેઓ મૃત્યુથી ડરતા નહોતા.

12 તેથી તે બધા જે ત્યાં રહે છે તે સુખી થાઓ. પરંતુ પૃથ્વી અને સમુદ્ર માટે તે ખરાબ થશે કારણ કે શેતાન તમારી પાસે નીચે ઉતરી આવ્યો છે. તે શેતાન ક્રોધથી ભરેલો છે. તે જાણે છે તેની પાસે હવે વધારે સમય રહ્યો નથી.”

13 તે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે. તેથી તે, સ્ત્રીની પાછળ ગયો જેણે એક દીકરાને જન્મ આપ્યો હતો.

14 પરંતુ તે સ્ત્રીને મોટા ગરૂડની બે પાંખો આપવામાં આવી હતી જેથી તે તે સ્થળેથી ઊડીને અરણ્યમાં જઇ શકે જ્યાં તેના માટે જગા તૈયાર કરવામાં આવી હતી. તે સ્થળેથી તેની સંભાળ સાડા ત્રણ વર્ષ સુધી રાખવામાં આવે છે. અજગર તેની પાસે પહોંચી શકે નહિં.

15 પછી તે અજગરે તેના મોંઢામાથી નદીની જેમ પાણી બહાર કાઢ્યું તે અજગરે તે સ્ત્રીના તરફ પાણી કાઢ્યું તેથી પૂર તેને દૂર તાણી જાય.

16 પરંતુ પૃથ્વીએ તે સ્ત્રીને મદદ કરી. પૃથ્વીએ તેનું મોં ખોલ્યું અને નદીને ગળી ગઈ જે અજગરના મુખમાંથી નીકળતી હતી.

17 પછી અજગર તે સ્ત્રી પર ઘણો ગુસ્સે થયો હતો. તે અજગર તેનાં બીજા બાળકો સામે યુદ્ધ કરવા માટે ચાલી નીકળ્યો. (જે દેવની આજ્ઞાઓનું પાલન કરે છે અને ઈસુએ જે ઉપદેશ આપ્યો છે તેના સત્યને વળગી રહે છે, તે લોકો તેનાં બાળકો છે.)

18 તે મોટો અજગર સમુદ્રકિનારે ઊભો રહ્યો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan