Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 11 - પવિત્ર બાઈબલ


બે સાક્ષીઓ

1 પછી મને ચાલવા માટેની લાકડી જેટલો લાબો એક માપદંડ આપવામાં આવ્યો. મને કહેવામાં આવ્યું કે, “જા અને દેવના મંદિરનું અને વેદીનું માપ લે, અને ત્યાં ઉપાસના કરનારા લોકોની ગણતરી કર.

2 પણ મંદિરની બહારના આંગણાનું માપ લઈશ નહિ. તે એકલું છોડી દે. તે જે લોકો યહૂદી નથી તેઓને આપવામાં આવેલ છે. તેઓ 42 મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદી વળશે.

3 અનેં હું મારા બે સાક્ષીઓને આધિકાર આપીશ અને તેઓ 1,260 દિવસ માટે પ્રબોધ કરશે. તેઓ શણના કપડાં પહેરશે.”

4 આ બે સાક્ષીઓ, જૈતુનનાં જે બે વૃક્ષ, તથા બે દીવીઓ જે પૃથ્વીના પ્રભુની સમક્ષ ઊભા રહે છે તે છે.

5 જો કોઈ વ્યક્તિ સાક્ષીઓને નુકશાન કરવાનો પ્રયત્ન કરે છે તો તેઓનાં મુખોમાંથી અગ્નિ નીકળે છે અને તેઓના દુશ્મનોનો નાશ કરે છે. જો કોઈ વ્યક્તિ તેઓને ઇજા કરવાનો પ્રયત્ન કરે છે તો આ રીતે તે મૃત્યુ પામશે.

6 તેઓના પ્રબોધ કરવાના સમય દરમિયાન આ સાક્ષીઓને વરસાદને આકાશમાંથી વરસતો રોકવાની સત્તા છે. આ સાક્ષીઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. તેઓને પૃથ્વી પર દરેક પ્રકારની વિપતિ મોકલવાની સત્તા છે. તેઓ જેટલી વખત ઈચ્છે તેટલી વખત આ કરી શકે છે.

7 જ્યારે તે બે સાક્ષીઓ પોતાનો સંદેશ કહેવાનું પૂર્ણ કરશે, ત્યારે શ્વાપદ તેઓની વિરુંદ્ધ લડશે. આ તે પ્રાણી છે જે અસીમ ઊંડી ખાઈમાંથી બહાર આવે છે. તે પ્રાણી તેઓને હરાવશે, અને તેઓને મારી નાખશે.

8 તે બે સાક્ષીઓના મૃતદેહો મોટા શહેરની શેરીમાં પડ્યાં રહેશે. આ શહેર સદોમ અને મિસર કહેવાય છે. તે શહેરના આ નામો હોવાનો વિશિષ્ટ અર્થ છે. આ તે શહેર છે જ્યાં તેઓના પ્રભુને મારી નાખવામાં આવ્યો હતો.

9 દરેક જાતિઓ, કુળો, ભાષાઓ અને દેશોમાથી આવેલા લોકો બે સાક્ષીઓના મૃતદેહોને સાડા ત્રણ દિવસો સુધી જોશે. લોકો તેઓને દફનાવવાની ના પાડશે.

10 જે લોકો પૃથ્વી પર રહે છે, તેઓ ખુશ થશે. કારણકે આ બે મૃત્યુ પામેલ છે. તેઓ મિજબાનીઓ કરશે અને અકબાજાને ભેટ મોં કલશે. તેઓ આ બધું કરશે કારણ કે આ બે પ્રબોધકોએ જે લોકો પૃથ્વી પર રહે છે તેઓને ખૂબ દુ:ખ દીધું છે.

11 પરંતુ સાડા ત્રણ દિવસ પછી આ બંને પ્રબોધકોના શરીરમાં દેવ તરફથી જીવનનો શ્વાસ આવ્યો. તેઓ પોતાના પગો પર ઊભા થયા. જે બધા લોકોએ તેઓને જોયા તેઓ ભયભીત થયા.

12 પછી તે બે પ્રબોધકોએ આકાશમાંથી મોટા સાદે વાણીને પોતાને કહેતા સાંભળી કે; “અહી ઉપર આવ!” અને તે બે પ્રબોધકો આકાશમાં ઊંચે એક વાદળામાં ગયા. તેઓનાં શત્રુંઓએ તેઓને ચઢતાં જોયા.

13 તે જ સમયે ત્યાં એક મોટો ધરતીકંપ થયો. શહેરનો દશમો ભાગ નાશ પામ્યો. અને 7,000 લોકો ધરતીકંપમાં મૃત્યુ પામ્યા. જે લોકો મૃત્યુ પામ્યા નહોતા તે ઘણા ગભરાયા હતા. તેઓએ આકાશના દેવને મહિમા આપ્યો.

14 (બીજી મોટી આપત્તિ પૂરી થઈ છે. હવે ત્રીજી મોટી આપત્તિ જલદીથી આવી રહી છે.)


સાતમું રણશિંગડું

15 સાતમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી આકાશમાં મોટે સાદે વાણીઓ થઈ. વાણીઓએ કહ્યું કે: “આ જગતનું રાજ્ય હવે આપણા પ્રભુ, અને તેના ખ્રિસ્તનું છે; તે સદાસર્વકાળ રાજ કરશે.”

16 પછી 24 વડીલોએ દેવની સમક્ષ નીચે નમીને દેવની આરાધના કરી. આ તે વડીલો છે જે દેવ સમક્ષ તેનાં રાજ્યાસન પર બેઠા છે.

17 તે વડીલોએ કહ્યું કે: “હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. તું તે એક છે, જે છે અને જે હતો. હવે તેં મહાસાર્મથ્ય ધારણ કર્યુ છે. હવે તારું રાજ્ય સ્થાપન થયું છે!

18 જગતના લોકો ગુસ્સે થયા હતા; પરંતુ હવે તારા ગુસ્સાનો સમય છે. હવે મૂએલાંનો ઈનસાફ કરવાનો સમય છે. તારા સેવકોને, તે પ્રબોધકોને તારા સંતો તથા નાના મોટા લોકોને જે તારા નામથી ડરનારા છે, તેઓને પ્રતિફળ આપવાનો સમય આવ્યો છે, જેઓ પૃથ્વીનો વિનાશ કરે છે તે લોકોનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”

19 ત્યાર પછી આકાશમાં દેવનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોશ જોવામા આવ્યો, પછી ત્યાં વીજળીઓના ચમકારા, વાણીઓ, ગજૅનાઓ તથા ધરતીકંપ થયો, તથા પુષ્કળ કરા પડ્યા.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan