Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 9 - પવિત્ર બાઈબલ


નિર્દેશક માટે. રાગ: “મુથ-લાબ્બેન” દાઉદનું ગીત.

1 હું યહોવાની, મારા સંપૂર્ણ હૃદયથી આભારસ્તુતિ કરીશ; અને તેમના અદભૂત કૃત્યો હું પ્રત્યેક વ્યકિત સમક્ષ પ્રગટ કરીશ.

2 હે દેવ, હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઇશ. સૌથી ઉયા દેવ હું તમારી પ્રશંશા કરતાં સ્તોત્રો ગાઇશ.

3 જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.

4 સૌથી ઉયા અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે. તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે.

5 હે યહોવા, તમે વિદેશી રાષ્ટ્રોને, અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે. અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.

6 હે યહોવા, સર્વ શત્રુઓનો અંત આવ્યો છે. અને સદાકાળ માટે નાશ પામ્યા છે. જે નગરો તમે પાયમાલ કર્યા છે, તેના નામોનિશાન નથી રહ્યાં.

7 પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે; અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.

8 તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે.

9 યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.

10 જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે, કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.

11 યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ; ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.

12 કારણ જે ન્યાય શોધતા હોય છે તેઓને તે યાદ રાખે છે. તેઓ રૂદન કરતા ગરીબ લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.

13 “હે યહોવા, તમે મારા પર દયા કરો, મને મોતના મુખમાંથી બચાવો, મને કેવું દુ:ખ છે! તે તમે જુઓ.

14 જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”

15 જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા, તેઓ પોતેજ ખાડામાં પડયા છે. તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.

16 યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને, પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.

17 દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે. યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.

18 ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ. ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.

19 હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો! ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સંમુખ થાય.

20 હે યહોવા, તેઓને ભયભીત કરો, જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan