ગીતશાસ્ત્ર 84 - પવિત્ર બાઈબલનિર્દેશક માટે. ગિત્તિથ સાથે ગાવા માટે કોરાહના કુટુંબનું સ્તુતિગીત. 1 હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે! 2 તમારા આંગણામાં આવવા માટે મારો આત્મા ખૂબ ઉત્સુક છે; જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે. 3 હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ, ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે. 4 તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે; તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે. 5 જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય તમારા માર્ગો માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે. 6 તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે. જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે. પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે. 7 તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે. 8 હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો. 9 હે દેવ, અમારી ઢાલને જુઓ; તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો. 10 કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે, દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું, તે મને વધારે પસંદ છે. 11 કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે, યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઇ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ. 12 હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે; જે રાખે છે ભરોસો તમારા ઉપર. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International