ગીતશાસ્ત્ર 79 - પવિત્ર બાઈબલનિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ. 1 હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે. અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે. અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે. 2 તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે. 3 તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે; ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી. 4 અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા, તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે. 5 હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો? તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે? 6 તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો, જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી. 7 કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે. 8 હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ; અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ, અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ. 9 હે અમારા તારણના દેવ, અમારી સહાય કરો, તમારા નામના મહિમાને માટે, હે દેવ અમારી રક્ષા કરો, તમારા નામની માટે, અમને અમારા પાપોની માફી આપો. 10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે, “ક્યાં છે તેઓના દેવ?” તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાવ્યું છે, તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણે. 11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો; તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો. 12 હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટ્રો તમારું અપમાન કરે છે, તેઓને તમે સાતગણી સજા કરો. 13 પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું, તમારા લોક તથા ચારાના ઘેટાઁ પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International