ગીતશાસ્ત્ર 7 - પવિત્ર બાઈબલદાઉદનું બિન્યામીનીતે કૂશના પુત્ર શાઉલના સંદર્ભમાં ગાયેલું યહોવાનું ગીત. 1 હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું. મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો. 2 રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ. 3 હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય; તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય, 4 અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય, અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય. 5 તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે, અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે! અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય. 6 હે યહોવા, કોપ કરીને ઉઠો, મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ, હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો. 7 હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો. તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો. 8 હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો, મને જાહેરમાં ન્યાયી ઠરાવો, અને તેઓ સમક્ષ મને તમે નિર્દોષ ને પ્રામાણિક સાબિત કરો. 9 હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો. ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો, કારણ કે તમે ન્યાયી દેવ છો, અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો. 10 દેવ મારી ઢાલ છે, જે સત્ય અને ન્યાયી હૃદયવાળાને તારે છે. 11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે; તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે. 12 જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે, તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે. તેણે પોતાના ધનુષ્યને તાણીને સિદ્ધ કર્યુ છે. 13 યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે. અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે. 14 એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે. તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે અને જૂઠને જન્મ આપે છે. 15 તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે. અને તે પોતેજ તેમાં જઇને પડશે. 16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે; તે પોતાની ઉગ્રતાથી પોતેજ ત્રાસ સહન કરશે. 17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ. કારણ, તે ન્યાયી છે. હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International