Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 65 - પવિત્ર બાઈબલ


નિર્દેશક માટે. પ્રશંસાનું દાઉદનું ગીત.

1 હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ; અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.

2 તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો, અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.

3 અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે, પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.

4 તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે. તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.

5 હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો; તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી, તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.

6 દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં. તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.

7 તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને, તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.

8 આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે. સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.

9 તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે અને ભૂમિને પાણી આપે છે. દેવની નદી પાણીથી ભરેલી છે જેથી તેના લોકોને સારી ફસલ મળે.

10 તમે ખેતરનાં ચાસોને વરસાદનું પાણી આપો છો, વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો, અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.

11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો. તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.

12 વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.

13 વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે, અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે; આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે. અને હા, તેઓ ગીતો ગાય છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan