ગીતશાસ્ત્ર 57 - પવિત્ર બાઈબલનિર્દેશક માટે: રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ. તે શાઉલથી ભાગી જઇને ગુફામાં રહેતો હતો તે વખતનું ગીત. 1 હે દેવ, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તારા શરણ આપ્યો છે, આ તોફાન શમી જાય ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ. 2 હું પરાત્પર દેવને પ્રાર્થના કરીશ, તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે. 3 તે આકાશમાંથી સહાય મોકલશે અને મને બચાવશે. જેઓ મને નુકશાન કરવા માગે છે તેમનાથી મને ઉગારશે. 4 મારું જીવન જોખમમાં છે. હું માનવભક્ષી સિંહોનાં જેવા હિંસક દુશ્મનોથી ઘેરાયો છું. તેમના દાંત તીર ને ભાલાં જેવા છે, તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે. 5 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો. તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ. 6 મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે, મને પ્રબળ દુશ્મનોએ નીચો નમાવી દીધો છે; તેઓએ મારા માર્ગમાં ખાડો ખોધ્યો છે; જુઓ! તેમાંજ તેઓ પોતે પડી ગયા છે. 7 હે દેવ! મારું હૃદય તૈયાર છે, મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે. હું દેવ સ્તોત્રો ગાઇશ. 8 હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ, હું પ્રભાતમાં વહેલો જાગીશ, ને હું પરોઢને આવકાર આપીશ. 9 હે યહોવા, હું રાષ્ટ્રો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઇશ. બધા લોકો પાસે હું તમારા વિષે ગાઇશ. 10 તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે. તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઉંચે પહોંચે છે. 11 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો. તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International