ગીતશાસ્ત્ર 51 - પવિત્ર બાઈબલનિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે. 1 હે પ્રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો. 2 હે યહોવા, મારા અપરાધ અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો. 3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું, હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું. 4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે, હા તમારી વિરુદ્ધ; જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે. તેથી તમે તમારા નિર્ણયો અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો. 5 હું પાપમાં જન્મ્યો હતો, મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો. 6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા, મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો. 7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ; અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ. 8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં, જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે. 9 મારા પાપો તરફ જોશો નહિ, ભૂંસી નાખો મારા સર્વ પાપ. 10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો, અને મારા આત્માને મજબૂત કરો! 11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ, અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો. 12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો. મારા આત્માને મજબૂત, તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો. 13 ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માર્ગો શીખવીશ, અને પાપીઓ તમારા તરફ ફરશે. 14 હે મારા દેવ, મારા તારણહાર; મને મૃત્યુદંડથી બચાવો; હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ, અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ. 15 હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો; એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે. 16 તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી. 17 દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત, પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ. 18 દેવ, તમે સિયોનનું ભલું કરો, અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો. 19 અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે, અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી, દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International