ગીતશાસ્ત્ર 45 - પવિત્ર બાઈબલનિર્દેશક માટે. રાગ: “શોશાન્નિમ.” કોરાહના કુટુંબનું માસ્કીલ. પ્રેમનું ગીત. 1 મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે. મેં રાજા માટે કવિતા રચી છે તે. હું બોલ છું. મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે. 2 તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો. તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે. તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો. 3 હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો; અને ગૌરવથી પ્રતાપ પરિધાન કરો. 4 તમે ભવ્ય દેખાઓ છો, જાઓ, સત્ય અને ભલાઇ અને ન્યાયની લડતમાં વિજયી થાઓ. પ્રભાવશાળી કાર્યો કરવા માટે તમારી શકિતશાળી જમણી બાહુ કેળવાયલી છે. 5 તમારા તીક્ષ્ણ બાણો મારા શત્રુઓના હૃદયો વીંધે છે, તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે. 6 હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે; અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે. 7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે; તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે. 8 હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે, ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે. 9 તમારી માનીતી સ્રીઓમાં ઘણી રાજકુમારીકાઓ છે. શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે. 10 હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર; ને પછી વિચાર કર; તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા. 11 તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે, તે તારા સ્વામી છે, માટે તેની સેવાભકિત કર. 12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો લઇને તમને મળવા આવશે. 13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે; તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે. 14 તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે. તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે. તમારા માટે લાવવામાં આવેલી કુમારિકાઓ તેને અનુસરે છે. 15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે. 16 તારા વંશજો તારા પછી શાસન કરશે. તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ. 17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ; પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International