Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 44 - પવિત્ર બાઈબલ


નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત. માસ્કીલ.

1 હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે, જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું, તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.

2 વિદેશીઓની પ્રજાને, તમે તમારા હાથે હાંકી કાઢી, ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી તેઓને ત્યાં વસાવ્યા હતા.

3 જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી. અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો. તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા, પરંતુ તમારા જમણા હાથે, તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા. કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.

4 હે દેવ, તમે મારા રાજા છો. આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.

5 અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું; અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.

6 હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, “તરવાર” પણ મારો બચાવ કરી શકશે નહિ.

7 તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે, જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો

8 આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું! અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!

9 પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે. તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.

10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે, અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે.

11 તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે, અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.

12 તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે, શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી?

13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે; અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.

14 તમે અમને રાષ્ટ્રો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે. તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.

15 આખો દિવસ હું મારું કલંક જોઉં છું અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.

16 કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે. જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે.

17 ભલે, આ બધું અમારા પર આવી પડ્યું, તોય અમે તમને ભૂલી નથી ગયા; ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.

18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી, અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.

19 તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે; અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે

20 જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,

21 તો શું દેવે તે જાણ્યું ન હોત? હા, યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.

22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ. તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.

23 હે યહોવા, જાગૃત થાઓ! હવે ઊંઘસો નહિ; અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.

24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો? તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?

25 અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.

26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો, અને તમારી કૃપાથી અમને બચાવી લો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan