ગીતશાસ્ત્ર 39 - પવિત્ર બાઈબલનિર્દેશક માટે. યદૂથૂન માટે. દાઉદનું ગીત. 1 મેં કહ્યું, “મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ; મારી જીભે હું પાપ કરીશ નહિ. જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે હું મારા મોઢા પર લગામ રાખીશ.” 2 સત્ય બોલવાનું હતું પણ હું બોલ્યો નહિ, છાનોમાનો મૂંગો ઊભો રહ્યો; ત્યારે મારી આંતરિક વ્યથા વધી અને મારો શોક વધી ગયો. 3 મારા હૃદયમાં આગ ભભૂકતી હતી, અગ્નિ સળગી ઊઠયો મારા વિચારનો; અને અંતે હું મારી જીભે બોલ્યો કે, 4 હે યહોવા, મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલુ છે? મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો. 5 તમે મને જીવવા માટે ખૂબ ટૂંકો સમય આપ્યો છે! મારું ટૂંકુ જીવન તમારી તુલનામાં કંઇ નથી. પ્રત્યેક વ્યકિતનું જીવન ઝડપથી અદ્રશ્ય થઇ જતાં વાદળ જેવું છે. 6 મનુષ્યનું અસ્તિત્વ તો ફકત આરસીમાંનું પ્રતિબિંબ છે, તે જે કરે છે તે મૂલ્યહીન છે. તે સંપત્તિનો સંચય કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોને મળશે? 7 હે પ્રભુ, મારે શું આશા હોય? તમે જ મારી આશા છો. 8 હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો, દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો. 9 હે યહોવા, હું મૂગો રહ્યો છું, હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહિ; કારણ, તમે જે કર્યુ છે એ હું જાણું છું. 10 હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઇ ગયો છું. 11 યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો. જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે. હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે. જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે. 12 હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો. મારા આંસુઓની અવગણના ન કરશો, આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું, મારા પિતૃઓની જેમ હું અહી એક કામચલાઉ વતની છું. 13 મૃત્યુ પછી હું પૃથ્વી પરથીજાઉ તે પહેલાં તમારી વેધક દ્રૃષ્ટી મારા પરથી દૂર કરો; જેથી ખરેખર બળ પામું ને ફરીથી આનંદ પામું. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International