ગીતશાસ્ત્ર 36 - પવિત્ર બાઈબલનિર્દેશક માટે. યહોવાના સેવક દાઉદનું ગીત. 1 દુષ્ટના ગહન હૃદયમાં પાપ તેને લલચાવે છે. અને દુષ્ટ કાર્યો કરવા પ્રેરે છે; તેના હૃદયમાં દેવનો ભય કે જે તેને પાપ કરતાં અટકાવે. 2 તે પોતાના મનમાં અભિમાન કરે છે કે, મારો અન્યાય પ્રગટ થશે નહિ. અને મારો તિરસ્કાર થશે નહિ. 3 તેના શબ્દો મૂલ્યહીન જૂઠાણા અને છેતરપિંડીવાળા છે. તેણે ડાહ્યું અને ભલું રહેવાનું છોડી દીધું છે. 4 તે રાત્રે પલંગમાં જાગતો રહે છે અને કપટ કરવાની યોજના ઘડે છે; તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે. અને તે દુષ્ટતાથી કંટાળતો નથી. 5 હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે, અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે. 6 તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથી પણ ઉંચી છે. અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે. તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો. 7 હે યહોવા, તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે! તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે. 8 તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે, તમારી સુખ-સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે. 9 કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે, અને અમે તમારા અજવાળામાં પ્રકાશ જોઇશું. 10 હે યહોવા, જેઓ તમને સાચી રીતે ઓળખે છે, તેમના પર તમારી દયા બતાવવાનું ચાલુ રાખજો અને જેમના હૃદય ચોખ્ખા છેં તેમની સાથે ન્યાયીપણું ચાલુ રાખજો. 11 મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ, દુષ્ટ લોકોના હાથ મને હાંકી કાઢે નહિ તે તમે જોજો. 12 “જુઓ! અન્યાય કરનારાઓનું કેવું પતન થયું છે! તેઓ એવા ફેંકી દેવાયા છે કે પાછા ઊઠી શકશે નહિ.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International