ગીતશાસ્ત્ર 32 - પવિત્ર બાઈબલદાઉદનું ગીત. માસ્કીલ. 1 જેના દોષને માફી મળી છે, તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે તેને ધન્ય છે અને તે જ સુખી છે. 2 જેને યહોવા દોષિત ગણતા નથી, અને જેના આત્મામાં કંઇ કપટ નથી તે માણસ આશીર્વાદિત છે. 3 હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો, તે દિવસથી મારી વ્યથા વધી ગઇ અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા. 4 આખો દિવસ અને આખી રાત, તમારો ભારે હાથ મારા પર હતો. જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય તેમ મારી શકિત હણાઇ ગઇ હતી. 5 પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો. મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ. મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.” અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી. 6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય, ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે. અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ. 7 જીવનનાં સર્વ સંકટોમાં તમે મારી છુપાવવાની જગા છો, તમે મને સંકટોમાં ઉગારી લો છો; મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો. 8 યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ, હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ. 9 ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે. તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.” 10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે; પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે. 11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ. હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International