ગીતશાસ્ત્ર 31 - પવિત્ર બાઈબલનિર્દેશક માટે. દાઉદનું ગીત. 1 હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો. મારી સાથે હમેંશા સારા રહેજો અને મને કૃપા આપતા રહેજો. 2 હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો! મારા ખડક બનો. મારી સુરક્ષાની જગા બનો. મારો કિલ્લો બનો અને મને બચાવો. 3 દેવ મારા ખડક અને કિલ્લો છો, તેથી તમારા નામને માટે મને દોરવણી આપો અને મને માર્ગદર્શન આપો. અને તે પર ચલાવો. 4 મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો. કારણ તમે મારો આશ્રય છો. 5 હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે સત્યના દેવ યહોવા, તમે મારો ઉદ્ધાર કર્યો છે. 6 જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, હું ફકત યહોવામાં ભરોસો કરું છું; 7 યહોવા, હું તમારી દયાથી આનંદથી હરખાઇશ તમે મારું સઘળું દુ:ખ જોયું છે, મારા આત્માની વ્યથા નિહાળી છે. 8 તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી, તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે. 9 હે યહોવા; હું સંકટમાં છુ, હિંમત હારી ગયો છું, મારા પર દયા કરો; શોકથી મારું શરીર, આંખ, મારો પ્રાણ ક્ષીણ થાય છે. 10 મારા જીવનનો અંત આવે છે. ઉદાસીમાં મારા વર્ષો નિસાસામાં પસાર થાય છે. મારા પાપોએ મારી શકિત હણી લીધી છે અને મારાઁ હાડકાઁ બરડ થઇ રહ્યાં છે. 11 મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે, અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે. મારા સબંધીઓને મારો ભય લાગે છે; તેથી તેઓ મને અવગણે છે. જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે. 12 મૃત્યુ પામેલ મનુષ્યની જેમ હું વિસરાઇ ગયો છું; હું ફેંકી દીધેલાં અને ફુટી ગયેલાં વાસણ જેવો છું. 13 મેં ઘણાં લોકોને મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે. તેઓ ભેગા થઇને મારી વિરુદ્ધ મને મારી નાખવાની યોજના અને કાવતરાં કરે છે. 14 પરંતુ હે યહોવા, હું તમારો વિશ્વાસ કરૂં છું મેં કહ્યું, “ફકત તમે જ મારા દેવ છો.” 15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે. મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો. 16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો. અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો. 17 હે યહોવા, હું નિરાશ થઇશ નહિં; કારણકે મેં તમને પ્રાર્થના કરી છે. દુષ્ટજનોને લજ્જિત કરી અને ચૂપચાપ તેઓને કબરોમાં સુવડાવી દો. 18 જૂઠા હોઠ મૂંગા થાઓ; તેઓ ડંફાસ મારે છે અને સજ્જનોની વિરુદ્ધ દ્વેષભાવ રાખીને ખરાબ વાતો કહે છે. 19 જે ઉદારતા તમારા ભકતોને ખાતર તમે રાખી મૂકી છે, તે તમે તમારા ભરોસો પર રાખનાર માટે ખૂબ દાખવી છે. અને તમારો ભય રાખનારા માટે તમારો આશીર્વાદ મહાન છે. 20 તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો, અને તેમનું કાવતરાબાજો વિરુદ્ધ રક્ષણ કરશો. તમે તમારા મંડપમાં તેમને સુરક્ષિત રાખશો અને તેમને અનિષ્ટ જીભોથી બચાવશો. 21 યહોવાને ધન્ય છે! કારણ તેણે મારા પર અસીમ પ્રેમ વરસાવ્યો છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું ત્યારે તેમણે મારા પર અદભૂત દયા દેખાડી છે. 22 અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે, વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી. 23 હે યહોવાના સર્વ ભકતો, તમે તેમનાં પર પ્રેમ રાખો; વિશ્વાસુઓની તેઓ રક્ષા કરે છે, અને અભિમાનીને શિક્ષા કરે છે. 24 તમારામાંના બધાં, જેઓ યહોવાની મદદની રાહ જુએ છે. ભલે તમારા હૃદય નિર્ભય અને હિંમતવાન બને, અને તમે સહુ ભલે બળવાન બનો! |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International