ગીતશાસ્ત્ર 30 - પવિત્ર બાઈબલમંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત. 1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ, કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે. તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી. 2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી, અને તમે મને સાજો કર્યો છે. 3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે, તમે મને કબરમાં પડવા દીધો નથી. 4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ. અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ. 5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે, પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે. રૂદન ભલે આખી રાત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે. 6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.” હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે. 7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે, પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને તમે મને ભયભીત કર્યો છે. 8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો અને મેં તમને વિનંતી કરી. 9 “હે યહોવા, હું મરી જઇશ તો તમારું શું સારું થશે? મારી કબરની ધૂળ તમારી સ્તુતિ કરી શકશે? શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે? 10 હે યહોવા, મારા પર દયા કરો, મારી અરજીને સંભળો મને સહાય કરો.” 11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું; મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા અને મને ઉત્સાહથી ઢાંકી દીધો. 12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ; હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International