ગીતશાસ્ત્ર 26 - પવિત્ર બાઈબલદાઉદનું ગીત. 1 હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું. મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી. મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કરો. 2 હે યહોવા, પૂરી તપાસ કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણની ઇચ્છાઓને પણ કસોટીની એરણે ચઢાવી પરીક્ષા કરો. 3 કારણ, હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું. અને હું હંમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું. 4 મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી. હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી. 5 હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ. 6 હું મારી નિર્દોષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ; હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ. 7 હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું. 8 હે યહોવા, મને પ્રિય છે તમારુ મંદિર, અને તે જગા જ્યાં તમારુ ગૌરવ છે. 9 પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ. માણસોની સાથે મને મારી નાખશો નહિ. 10 તેઓ હમેશા ધૃણાજનક કૃત્યો કરે છે, અને તેમના જમણા હાથ લાંચરુસ્વતથી ભરેલાં છે. 11 હે યહોવા, હું તેઓના જેવો નથી, હું પ્રામાણિકપણાના માર્ગે ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો. 12 યહોવાએ મને પડી જવા દીધો નથી, માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International