ગીતશાસ્ત્ર 149 - પવિત્ર બાઈબલ1 યહોવાની સ્તુતિ કરો! તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેની સ્તુતિ કરો. 2 ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો; સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો. 3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ. 4 કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે; અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે. 5 તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે; પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ. 6 તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ; અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો. 7 તેઓ બીજા રાષ્ટ્રોને સજા કરે અને તેમને પાઠ ભણાવે. 8 તેઓના રાજાઓને અને આગેવાનોને; લોખંડની સાંકળોથી બાંધે. 9 અને તેઓને દેવના ચુકાદા મુજબ તેઓ સજા કરે! યહોવા તેમના બધાં સંતોનો આદર છે. યહોવાની સ્તુતિ કરો. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International