ગીતશાસ્ત્ર 148 - પવિત્ર બાઈબલ1 યહોવાની સ્તુતિ કરો! આકાશમાંથી તેમની સ્તુતિ કરો! ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો! 2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો! 3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો! સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો! 4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો! આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો! 5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો; કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા. 6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ. 7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો; હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો. 8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે. 9 તમે પર્વતો તથા ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો. 10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ; પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ; 11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ, તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો; 12 યુવાનો અને કન્યાઓ, વૃદ્ધો અને બાળકો; 13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે! આકાશ અને પૃથ્વી પરની તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો! 14 તે તેમના લોકોની તાકાત વધારશે, તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો. સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International