ગીતશાસ્ત્ર 147 - પવિત્ર બાઈબલ1 તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ. આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ. કારણકે તે સારું અને ગમતું છે. 2 યહોવા યરૂશાલેમને બાંધે છે; તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે. 3 હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે; અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે. 4 તે તારાઓની ગણતરી કરે છે; અને તેઓને નામ દઇને બોલાવે છે. 5 આપણા પ્રભુ કેવા મહાન છે! તેમના સાર્મથ્યનો પાર નથી! તેમના જ્ઞાનની કોઇ સીમા નથી. 6 યહોવા નમ્રજનોને આધાર આપે છે; પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે. 7 યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો; આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ. 8 તે આકાશને વાદળોથી ઢાંકે છે; પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે; તે પહાડો પર ઘાસ ઉગાડે છે. 9 પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે જ ખોરાક આપે છે. 10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં અને બળવાન સૈનિકોમાં નથી. 11 પણ જેઓ તેમનો ભય રાખે છે; ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે; તેથી યહોવા ખુશ રહે છે. 12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો; હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો. 13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે. અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે. 14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે; અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે. 15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; અને તેનું વચન અતિ વેગથી દોડે છે. 16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે. 17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે? 18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે; અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે. 19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા, તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા. 20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી; અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી. યહોવાની સ્તુતિ થાઓ. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International