ગીતશાસ્ત્ર 142 - પવિત્ર બાઈબલદાઉદ ગુફામાં હતો તે સમયે લખાયેલી તેની પ્રાર્થના. દાઉદનું માસ્કીલ. 1 હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું; અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું. 2 હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું. 3 હું બેહોશ થવાનો હોઉં, ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ જે રસ્તે હું ચાલું છું; તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે. 4 જ્યારે હું આજુબાજુ જોઉં છું, હું કોઇ મિત્રને જોતો નથી, જે મને મદદ કરી શકે, અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે. 5 હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું, “યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો. આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.” 6 મારા પોકારો સાંભળો, કેમકે હું દુ:ખી છું; જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો; કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે. 7 મને બંદીવાસમાંથી બહાર લાવો, જેથી હું તમારો આભાર માની શકું. તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International