Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 139 - પવિત્ર બાઈબલ


નિર્દેશક માટે. દાઉદનું ગીત.

1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે; અને તમે મારા વિષે બધું જાણો છો.

2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો; મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.

3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું. હું જે બધું કરું છું તે તમે જાણો છો.

4 હું બોલું તે અગાઉ તમે જાણો છો, કે હું શું કહેવા ઇચ્છુ છું.

5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે; અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.

6 આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે; તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.

7 તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?

8 જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો.

9 જો હું પરોઢિયાની પાંખો પર સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં

10 તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે; તમારું સાર્મથ્ય મને સહાય કરશે.

11 જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.

12 અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી; તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે; અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.

13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે, અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.

14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ; માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ; હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!

15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને મારી રચના થતી હતી ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.

16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો. પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા, તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા. અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!

17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે! દેવ તમે ઘણું બધું જાણો છો!

18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય, અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!

19 હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો; અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.

20 તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે; અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે; તેઓ કેટલા મૂર્ખ છે!

21 હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?

22 હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.

23 હે યહોવા, મારી પરીક્ષા કર; અને મારું અંત:કરણ ઓળખ; મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.

24 તમને દુ:ખ થાય તેવી બાબત તમને મારામાં દેખાય તો મને જણાવો; અને સનાતન માર્ગે મને દોરી જાઓ.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan